અમદાવાદ: શહેરના ગુજરાત કોલેજ વિસ્તારની નજીક આવેલી ઓરિએન્ટ ક્લબમાં મહિલા પાંખ દ્વારા નવરાત્રિ 2025 ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવલા નોરતાના પહેલાં જ દિવસે બપોરે ફક્ત મહિલાઓ માટે યોજાયેલા ગરબા મહોત્સવમાં તમામ વય જૂથની નારી શક્તિએ ભાગ લીધો હતો.
ફક્ત મહિલાઓ માટે યોજાયેલા આ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે નાની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓએ ગરબાની મજા માણી હતી. ઓરિએન્ટ કલબના ગરબા 2025માં મહિલાઓએ ચણિયાચોળી, કેડિયા, વિવિધ ગૃપ સાથે સાડીમાં શેરી ગરબા અને મોર્ડન સ્ટાઈલ સાથે ઉત્સવને ઉત્સાહભેર ઉજવ્યો હતો.
પરંપરાગત વસ્ત્રો સાથે ગરબે રમવા આવેલા જ્યોત્સનાબહેન ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે મારી ઉંમર 83 વર્ષ છે. એકદમ તંદુરસ્ત છું. સ્ફૂર્તિ સાથે ગરબે ઘૂમવા તૈયાર છું. હું વર્ષોથી ઓરિએન્ટ કલબના ગરબામાં આવું છું. શેરી ગરબા, પરંપરાગત ગરબા અને સુંદર માહોલના કારણે અહીં મજા આવે છે.

ગરબામાં ભાગ લેનાર મહિલા પાંખના સભ્યો અને મહેમાનોના ઉત્સાહ માટે બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પર્ફોમન્સ, બેસ્ટ પર્ફોમન્સ (સ્ટાર્ટ ટુ એન્ડ), બેસ્ટ પર્ફોમન્સ ( સિનિયર સિટીઝન), બેસ્ટ પર્ફોમન્સ (ચિલ્ડ્રન) જેવા પ્રાઈઝ પણ રાખવામાં આવ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)


