મોદી સરકારની ત્રીજી ટર્મના પ્રથમ બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા

નવી દિલ્હી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ભાજપના નેતાઓ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કરી રહ્યા છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, ‘આ તો ખુરશી બચાવો બજેટ છે.’ આ ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ બજેટની ટીકા કરી છે.

ખુરશી બચાવો બજેટ: રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘ખુરશી બચાવો બજેટ, આ બજેટમાં સાથી પક્ષોને ખુશ કરવામાં આવ્યા છે. તેમાં સામાન્ય માણસ માટે કંઈ નથી. આ કોપી પેસ્ટ બજેટ છે.’

ખેડૂતો અને યુવાનો માટે કંઈ નથી: અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કેન્દ્રીય બજેટ પર કહ્યું, ‘જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી નોકરીની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો ફાયદો નહીં મળે. ઉત્તર પ્રદેશમાં જોઈએ તો રોકાણની સ્થિતિ શું છે? બિહાર અને આંધ્રપ્રદેશને ખાસ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા તે સારી વાત છે, પરંતુ શું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના ખેડૂતો માટે બજેટમાં એવું કંઈ છે કે જે દેશને વડાપ્રધાન આપે છે?

ખડગેએ વિપક્ષને ‘કોપીકેટ’ ગણાવ્યું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને લઈને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મોદી સરકારનું “કોપીકેટ બજેટ” કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી! મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન ભાગીદારોને છેતરવા માટે અડધી શેકેલી “રેવડીઓ” વહેંચી રહ્યું છે, જેથી NDA ટકી રહે. આ ‘દેશની પ્રગતિ’નું બજેટ નથી, આ ‘મોદી સરકાર બચાવો’નું બજેટ છે!

‘સરકાર બચાવો બજેટ’: પ્રિયંકા ચતુર્વેદી

કેન્દ્રીય બજેટ પછી, શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “મને લાગે છે કે આ બજેટને ‘સેવ પ્રધાનમંત્રી ગવર્નમેન્ટ પ્લાન’ કહેવું જોઈએ. કારણ કે તેઓ સમજી ગયા છે કે જો તેઓ આ સરકારને આગામી 5 વર્ષ સુધી બચાવવા માંગતા હોય તો તેમને સાથી પક્ષોની જરૂર પડશે. આથી સાથી પક્ષોના રાજ્યોને વિશેષ પેકેજ આપવામાં આવ્યા છે.

શશિ થરૂરે બજેટને નિરાશાજનક ગણાવ્યું

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કેન્દ્રીય બજેટ પર કહ્યું, “આ એક નિરાશાજનક બજેટ છે, મેં સામાન્ય લોકો જેનો સામનો કરી રહ્યા છે તે મુખ્ય મુદ્દાઓ વિશે કંઇ સાંભળ્યું નથી… સામાન્ય લોકોની આવક સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.

TMC સાંસદએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કેન્દ્રીય બજેટ પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, “આ ‘સેવ ધ ચેર’ બજેટ છે. આ બજેટ એનડીએમાં રહેલા નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની સાથે રાખવા માટે છે, આ બજેટ દેશ માટે નથી. બંગાળ માટે તો કંઈ નથી.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બજેટ વિશે શું કહ્યું?

કેન્દ્રીય બજેટ 2024 પર, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, “કેન્દ્રનું આ બજેટ કાગળ પર સારું લાગી શકે છે, પરંતુ જમીની સ્તરે તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં… સરકારે પાકની કિંમત ચૂકવવી જોઈએ. મફત વીજળી, સસ્તું ખાતર આપવું જોઈએ, ખેતીના સાધનો પર GST ઘટાડવો જોઈએ…”