શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશન મહાદેવમાં તેને મોટી સફળતા મળી છે. સેના દ્વારા ચલાવાયેલા આ ઓપરેશનમાં ભારે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકવાદી પાકિસ્તાની મૂળના છે અને આ ઓપરેશનને સ્પેશિયલ યુનિટ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. ઓપરેશન સવારે 7:30 વાગ્યાથી ચાલુ હતું. હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આવિસ્તાર ખાલી કરાવીને તપાસ અભિયાન ચાલી રહ્યું છે. સેના સાંજે પત્રકાર પરિષદ કરીને આ વિશે માહિતી આપશે.
આ ત્રણેમાંથી એક પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ સુલેમાન શાહ પણ હોવાની શક્યતા છે
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સુલેમાન શાહ ઉર્ફે હાશિમ મૂસા ઓપરેશન મહાદેવમાં ઠાર કરાયેલા આતંકવાદીઓમાંનો એક છે. આ દરમિયાન સેનાએ આતંકી ઠેકાણાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું અને તમામ આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓએ ઝાડીઓમાં પોતાનું ઠેકાણું બનાવ્યું હતું. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીર પહેલગામમાં 22 એપ્રિલે આતંકીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ હુમલા પછી ભારતે પ્રતિસાદ રૂપે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહીનું નામ ‘ઓપરેશન સિંદૂર’ રાખવામાં આવ્યું હતું. આ પ્રતિકારાત્મક કાર્યવાહી દરમિયાન 100થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.
આ ઓપરેશન સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. ઘેરાયેલા આતંકીઓનો કનેક્શન TRF (The Resistance Front) સાથે હોઈ શકે છે. TRF એ જ આતંકી સંગઠન છે, જેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. થોડા દિવસ પહેલાં અમેરિકાએ પણ તેને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કર્યું હતું.
સેના દ્વારા ઠાર મારવામાં આવેલા આતંકીઓ પાસેથી ભારે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેય આતંકી ગાઢ જંગલોમાં છુપાયેલા હતા, પરંતુ તેમની કેટલીક શંકાસ્પદ વાતચીતને આધારે ઇનપુટ મળતાં ઓપરેશન મહાદેવ શરૂ કરવામાં આવ્યું હતું.
