કરાચીઃ રમજાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનનું કરાચી શહેર ગંભીર ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં ગેસ સપ્લાય લગભગ ઠપ થઈ ગઈ છે, જેના કારણે રોજા રાખનારાઓને સેહરી અને ઇફ્તાર તૈયાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક મિડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મિડિયા પરની ફરિયાદોથી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે.
અઘોષિત ગેસ કાપથી હાહાકાર
સુઈ સધર્ન ગેસ કંપની (SSGC)ના નેટવર્કમાં ગેસ પ્રેશર એટલું ઓછું છે કે ઘણા વિસ્તારોમાં 12થી 15 કલાક સુધી અઘોષિત લોડશેડિંગ થઈ રહ્યું છે. જ્યારે સરકારે માત્ર રાત્રે જ કાપ કરવાની વાત કરી હતી. ગેસ ન મળતા લોકો મજબૂરીમાં 3000થી 4,000 રૂપિયા પ્રતિ સિલિન્ડર જેટલું મોંઘું LPG ખરીદવા મજબૂર બન્યા છે.
ઈરાન સંઘર્ષની અસર: LNG સપ્લાય પર સંકટ
કરાચીમાં સર્જાયેલું ગેસ સંકટ ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીને કારણે વધુ ગંભીર બન્યું છે, જેને કારણે LNG આયાત પર ભારે અસર પડી છે. છેલ્લાં બે અઠવાડિયાથી ચાલી રહેલા મધ્ય-પૂર્વ સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગ અવરોધિત થતાં પહેલાંથી જ દબાણ હેઠળ રહેલી શહેરની ગેસ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.
જાહેરાત વગર ગેસ સપ્લાયનો સમય બદલાયો
પરિસ્થિતિ બગડતાં SSGCએ શાંતિથી નવો સપ્લાય સમયપત્રક અમલમાં મૂક્યો છે.
સેહરી માટે: સવારે 3:30થી 6:00 સુધી
ઇફ્તાર પહેલાં: સાંજે 3:30થી 7:00 સુધી
પરંતુ આ સમયમાં પણ ગેસ પ્રેશર એટલું ઓછું રહે છે કે સામાન્ય રીતે રસોઈ બનાવવી લગભગ અશક્ય બની જાય છે.

અનેક વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત
ક્લિફ્ટન, DHA, નોર્થ કરાચી, ફેડરલ B એરિયા, ગુલબર્ગ અને ઓરંગી ટાઉન જેવા ઘણા વિસ્તારોમાં ઘણા દિવસોથી ગેસ ખૂબ ઓછા પ્રેશરમાં આવી રહ્યો છે અથવા બિલકુલ નથી આવતો. લોકોનું કહેવું છે કે સપ્લાય માત્ર થોડી મિનિટો માટે આવે છે અને તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે ચૂલો સળગાવવો મુશ્કેલ બની જાય છે.
મોંઘવારી અને રમજાનથી મુશ્કેલીઓ વધી
ગેસ સંકટ વચ્ચે LPGના વધેલા ભાવોએ ઘરના બજેટ પર ભારે અસર પાડી છે. પહેલેથી ચાલી રહેલી મોંઘવારી અને રમજાનના વધેલા ખર્ચ વચ્ચે ગેસની અછતથી જનતાની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. લોકો હવે ઇલેક્ટ્રિક સ્ટોવ અને અન્ય મોંઘા વિકલ્પો અપનાવવા મજબૂર બન્યા છે.


