હિંડનબર્ગ કેસમાં ક્લીનચિટ મળતાં અદાણીએ કહ્યું, ‘સત્યમેવ જયતે’

નવી દિલ્હીઃ અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સેબીએ ફગાવ્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપતાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ગૌતમ અદાણીએ તેને સત્યની જીત ગણાવી હતી અને કહ્યું હતું કે અદાણી જૂથ સામે ખોટી માહિતી ફેલાવનારાઓએ દેશ પાસે માફી માગવી જોઈએ.

એ પહેલા, હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) એ ફગાવ્યા હતા. સેબીએ પોતાના અંતિમ આદેશમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ મામલામાં અદાણી ગ્રુપ પર લગાવાયેલા આરોપ સાબિત થઈ શક્યા નથી. સેબીએ અદાણી ગ્રુપ પર કોઈ દંડ પણ લગાવ્યો નથી. એ સાથે જ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને કોઈ પણ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા છે.

હિંડનબર્ગની રિપોર્ટને કારણે રોકાણકારોને થયેલા નુકસાન અંગે ગૌતમ અદાનીએ જણાવ્યું હતું કે આ છેતરપિંડી અને પ્રેરિત રિપોર્ટને કારણે જેમણે પોતાના પૈસા ગુમાવ્યા છે, તેવા રોકાણકારોના દુખને અમે ઊંડાણપૂર્વક અનુભવીએ છીએ. તેમણે કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવનારાઓએ હવે રાષ્ટ્ર પાસે માફી માગવી જોઈએ.

અદાણી ગ્રુપના ચેરમેને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરતાં લખ્યું હતું કે ભારતીય સંસ્થાઓ, ભારતના લોકો અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા અડગ છે. તેમણે * સત્યમેવ જયતે અને જય હિંદ સાથે પોતાની વાતનું સમાપન કર્યું હતું.