ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં એક જજ અનેક વર્ષો સુધી ચુકાદા આપતા રહ્યા, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેમની કાનૂની ડિગ્રી જ નકલી હતી. ઇસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)એ 23 ફેબ્રુઆરીએ 116 પાનાંનો વિગતવાર ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં જસ્ટિસ તારિક મહમૂદ જહાંગીરીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તેમની કાયદાની ડિગ્રી શરૂઆતથી જ અમાન્ય હતી. એટલે તેમની જજ તરીકેની નિમણૂક પણ કાનૂની રીતે ગેરકાયદે હતી.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
હાઈકોર્ટને કરાચી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પાસેથી મૂળ રેકોર્ડ મળ્યા. તપાસમાં બહાર આવ્યું કે જહાંગીરીના શૈક્ષણિક દસ્તાવેજો નકલી હતા.કોર્ટે જણાવ્યું હતું કે તેમણે 1988માં ખોટા એનરોલમેન્ટ નંબરથી પરીક્ષા આપી હતી. તે દરમિયાન તેઓ નકલ કરતા ઝડપાયા હતા. 1989માં યુનિવર્સિટીએ તેમને ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા, પરંતુ સજા સ્વીકારવાને બદલે તેમણે કથિત રીતે છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હતો, એમ અહેવાલ કહે છે.
આગલા વર્ષે તેમણે ફરી પરીક્ષા આપી, પરંતુ આ વખતે “તારિક જહાંગીરી” નામથી અને એવો એનરોલમેન્ટ નંબર વાપરીને- જે બીજા વિદ્યાર્થી ઇમ્તિયાઝ અહમદને ફાળવાયેલો હતો. ગવર્નમેન્ટ ઇસ્લામિયા લો કોલેજના પ્રિન્સિપાલે કોર્ટને જણાવ્યું હતું કે જહાંગીરી ક્યારેય તેમની સંસ્થામાં દાખલ જ થયા નહોતા.
દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ
કોર્ટે જણાવ્યું હતું કે જહાંગીરીને અનેક વાર તક આપવામાં આવી કે તેઓ તેમના મૂળ દસ્તાવેજો અને લેખિત જવાબ રજૂ કરે, પરંતુ તેમણે એવું કર્યું નહીં. તેને બદલે તેમણે ફુલ બેંચની માગ કરી, ચીફ જસ્ટિસને કેસમાંથી અલગ કરવાની અરજી કરી અને સુનાવણી ટાળવાનો પ્રયાસ કર્યો. તેમણે એ પણ કહ્યું કે સિંધ હાઈકોર્ટમાં સંબંધિત કેસો બાકી છે.
કોર્ટની કડક ટિપ્પણી
બેંચે આ પ્રયત્નોને “વિલંબ કરવાની વ્યૂહરચનાની નીતિ” ગણાવી. કોર્ટે કહ્યું કે જ્યારે અરજદાર પુરાવા રજૂ કરી ચૂક્યા છે, ત્યારે હવે જજની ફરજ હતી કે તેઓ પોતાની ડિગ્રી સાચી હોવાનું સાબિત કરે, પરંતુ તેઓ એવું કરવામાં નિષ્ફળ રહ્યા, તેથી કોર્ટે તેમના વિરુદ્ધ ચુકાદો આપ્યો.

શી છે અસર?
જસ્ટિસ તારિક મહમૂદ જહાંગીરીની ડિસેમ્બર, 2020માં હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરથી તેમને ન્યાયિક કાર્યમાંથી રોકી દેવામાં આવ્યા હતા.


