મુંબઈઃ એક કોર્ટે લગભગ 55 કરોડ રૂપિયાની કેનરા બેંકના નેતૃત્વવાળા કન્સોર્શિયમ લોન છેતરપિંડી મામલે હીરાના વેપારી મહુલ ચોકસી સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યો છે. કરોડો ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડીના મુખ્ય આરોપી ચોકસીની ભારતીય તપાસ એજન્સીઓના પ્રત્યાર્પણના વિનંતી બાદ 12 એપ્રિલે બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં જ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ કોર્ટ) આર.બી. ઠાકુરે ચોકસી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યા હતા. આ વોરંટ પર રિપોર્ટ માટે કેસની સુનાવણી બીજી જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.
CBIએ આરોપ લગાવ્યો છે કે કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રે બેઝલ જ્વેલરીને કોન્સોર્શિયમ એગ્રિમેન્ટ હેઠળ વર્કિંગ કેપિટલ સુવિધા તરીકે ક્રમશઃ 30 કરોડ અને 25 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. CBI મુજબ આ લોન સોના અને હીરા જડિત આભૂષણોનું ઉત્પાદન અને વેચાણ કરવા માટે આપવામાં આવી હતી, પણ કંપનીએ આ લોનનો ઉપયોગ કથિત રીતે એ હેતુ માટે કર્યો નહોતો.
એજન્સી અનુસાર કંપનીએ લોન ચૂકવી નહોતી, જેને કારણે કોન્સોર્શિયમને કુલ 55.27 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ચોકસી અને તેનો ભાણેજ નીરવ મોદી PNB ની 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મુખ્ય આરોપી છે. ચોકસી જ્યાં બેલ્જિયમની એક અદાલતમાં જામીન માટે લડી રહ્યો છે, ત્યાં નીરવ મોદી 2019થી લંડનની જેલમાં છે.
