બજેટના બીજા દિવસે શેરબજાર ડાઉન

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટે મંગળવાર 23મી જુલાઈથી ભારતીય શેરબજારનો મૂડ બગાડ્યો છે, જે આજ સુધી રિકવર થઈ શક્યો નથી. ઇક્વિટી પર શોર્ટ ટર્મ કેપિટલ અને લોંગ ટર્મ કેપિટલ ટેક્સમાં વધારો થવાના આંચકામાંથી બજાર હજુ બહાર આવ્યું નથી. બજેટના બીજા દિવસે ટ્રેડિંગ સેશનમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. આ વેચવાલીનું નેતૃત્વ બેન્કિંગ અને એફએમસીજી સેક્ટરના શેરોએ કર્યું હતું. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,149 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે 24,413 પોઈન્ટ પર બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો હોવા છતાં, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાને કારણે શેરબજારની માર્કેટ મૂડી વધારા સાથે બંધ થઈ હતી. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 449.75 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 446.80 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 2.95 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

સેક્ટરોલ અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી, ફાર્મા, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ અને ઓટો શેરો ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ અને એફએમસીજી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 587 પોઈન્ટના ઉછાળા સાથે 56,872 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીનો સ્મોલકેપ ઈન્ડેક્સ 323 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા.