દ્વારકા: અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન કરવામાં આવી છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી. અનંત અંબાણી આજે જ્યારે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા ત્યારે તેમની સાથે માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી જોડાયા હતા. અનંતની આ પદયાત્રા સમાપ્ત થતા માતા નીતા અંબાણી ભાવુક બન્યા હતા.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષ, નીતા અંબાણી, પુત્રની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં ભાવુક થઈ ગયા અને કહ્યું “એક માતા તરીકે, મારા નાના પુત્ર અનંતને દ્વારકાધીશના આ દિવ્ય સ્થાનની પદયાત્રા પૂર્ણ કરતા જોઈને ખૂબ જ ગર્વ થાય છે… છેલ્લા 10 દિવસથી, અનંતની પદયાત્રામાં જોડાયેલા બધા યુવાનો આપણી સંસ્કૃતિનો ફેલાવો કરી રહ્યા છે. હું ફક્ત દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે તેઓ અનંતને શક્તિ આપે…”
પોતાની સાથે આવનારાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં અનંત અંબાણીએ કહ્યું, “જુઓ, આ મારી પોતાની આધ્યાત્મિક યાત્રા છે. મેં આ યાત્રા ભગવાનનું નામ લઈને શરૂ કરી હતી અને તેમનું નામ લઈને જ પૂર્ણ કરી. હું ભગવાન દ્વારકાધીશનો આભાર માનવા માંગુ છું. મારી આધ્યાત્મિક યાત્રામાં મારી સાથે જોડાયેલા લોકોનો હું આભારી છું.”
પોતાની યાત્રા પર યાદ કરતાં, અનંત અંબાણીએ પિતા મુકેશ અંબાણી સાથે તેમના આધ્યાત્મિક યાત્રા વિશે ચર્ચા કરી હતી અને તેમને તેમના તરફથી કેવી રીતે પ્રોત્સાહન મળ્યું તે યાદ કર્યું. “જ્યારે મેં મારા પિતાને કહ્યું કે હું આ યાત્રા કરવા માંગુ છું, ત્યારે તેમણે મને ઘણી શક્તિ આપી અને આ પ્રસંગે હું તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.”
અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તેઓ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
