ભારત સાથેના ટેરિફ વોર પર ટ્રમ્પને નિક્કી હેલીની ફટકાર  

વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે, જેથી ભારત અને અમેરિકાના સંબંધોમાં વ્યાપેલી તંગદિલીને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલીએ ટ્રમ્પને ચેતવણી આપતાં કહ્યું હતું કે ભારત સાથે દુશ્મન જેવું વર્તન કરવું યોગ્ય નથી. ભારત આપણો દુશ્મન નથી પણ મિત્ર છે.

તેમણે લખેલા એક લેખમાં ચીનનો સામનો કરવા માટે ભારતને સાથીદાર ગણાવ્યો હતો અને તેને લોકશાહી ભાગીદાર તરીકે માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ટ્રમ્પને ચેતવણી આપતાં નિકીએ કહ્યું કે નવી દિલ્હીની સાથેના સંબંધો તોડવા એ એક “વ્યૂહાત્મક આફત” સાબિત થશે. છેલ્લાં 25 વર્ષથી ભારત સાથેના સંબંધોમાં આવેલી ગતિને તોડવી ખતરનાક થઈ શકે છે.

ચીનની સામે ભારતનો સહયોગ જરૂરી

લોકશાહી આધારિત ભારતનો ઉદય કોમ્યુનિસ્ટ-નિયંત્રિત ચીનના વિપરીત સ્વતંત્ર દુનિયા માટે ખતરો નથી. ભારત સાથે એક અમૂલ્ય સ્વતંત્ર અને લોકશાહી ભાગીદારની જેમ વર્તવું જોઈએ. ભારત ચીન જેવો વિરોધી નથી, જે અત્યાર સુધી રશિયા પાસેથી તેલની ખરીદી પર લાગેલા પ્રતિબંધોને ટાળી રહ્યું છે, જ્યારે તે મોસ્કોનો સૌથી મોટો ગ્રાહક છે.

ચીનનો સામનો કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે ભાગીદારી એક સ્વાભાવિક નિર્ણય હોવો જોઈએ. નિકી હેલીએ જણાવ્યું કે ભારતમાં ચીન જેટલા પાયે એવાં ઉત્પાદનો બનાવવાની ક્ષમતા છે, જે અમેરિકાને મહત્વપૂર્ણ સપ્લાય ચેનને બીજિંગથી દૂર લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં જાપાનને પાછળ મૂકી દેશે. તેમણે કહ્યું હતું કે ભારતનો ઉદય વૈશ્વિક વ્યવસ્થાને નવો આકાર આપવાના ચીનના લક્ષ્ય માટે સૌથી મોટો અવરોધ છે. અને જેમ-જેમ ભારતની શક્તિ વધશે તેમ-તેમ ચીનની મહત્ત્વાકાંક્ષાઓ ઘટતી જશે, એમ તેમણે કહ્યું હતું.