નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે FIRમાં ખુલાસો થયો છે કે આ હુમલામાં આતંકવાદીઓએ પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ કર્યો હતો. સરહદ પારથી હેન્ડલર્સે હુમલાને અંજામ આપ્યો હતો. NIA હુમલાની યોજના ક્યાં ઘડવામાં આવી હતી, તેની તપાસ કરી રહી છે.
પહલગામ આતંકવાદી હુમલાની FIRમાં ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે આ હુમલાનું ષડયંત્ર ઘડ્યું હતું. તેણે આતંકવાદીઓને ભારતમાં પહોંચાડવામાં મદદ કરી હતી. હેન્ડલર્સે આતંકવાદીઓને હથિયાર ઉપલબ્ધ કરાવ્યાં હતાં. આ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ થયો હતો. આ હુમલા બાદ કુલ આઠ કલમોમાં FIR નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103, 109, 61, 7, 27, 16, 18 અને 20 હેઠળ FIR નોંધવામાં આવી છે.
પહલગામ આતંકવાદી હુમલાની તપાસ NIA કરી રહી છે. NIAના ચીફ બૈસરન ખીણ પહોંચી હુમલાની તપાસ કરી રહ્યા છે. સ્થાનિકોનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે અને સંદિગ્ધોની પૂછપરછ પણ થઈ રહી છે.
આ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. એક બાજુ પાકિસ્તાન વિશ્વ સમક્ષ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે ભારત ગમે-ત્યારે તેના પર યુદ્ધ કરશે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. તેણે ઉરી અને અખનૂર સહિતના વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાનની સેનાના હથિયારોનો ઉપયોગ અવારનવાર ભારત વિરુદ્ધ આતંક ફેલાવવા માટે થયો છે. જે પાકિસ્તાન આતંકવાદને સમર્થન અને પોષી રહ્યો હોવાની ખાતરી કરે છે. આતંકવાદી હુમલામાં આતંકવાદીઓની તસવીરોમાં તેમની પાસે જોવા મળેલાં હથિયારો પાકિસ્તાની સેનાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એમ અહેવાલ કહે છે.
