નવી દિલ્હીઃ આવતી 18 જુલાઈએ જેને માટે ચૂંટણી યોજાવાની છે તે દેશના રાષ્ટ્રપતિપદ માટે વિરોધ પક્ષોએ પોતાના સર્વસંમત ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિન્હાને પસંદ કર્યા છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશે આજે પત્રકારોને જણાવ્યું કે અમે (વિરોધપક્ષોએ) સર્વાનુમતે નિર્ણય લીધો છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે અમારા સમાન ઉમેદવાર તરીકે યશવંત સિન્હા રહેશે. રમેશે વિરોધપક્ષોની સંયુક્ત બેઠક બાદ આમ જણાવ્યું હતું. તે બેઠક એનસીપીના પ્રમુખ શરદ પવારે બોલાવી હતી. એમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, નેશનલ કોન્ફરન્સ, આરજેડી જેવા પક્ષોનો સમાવેશ થતો હતો.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવાર તરીકે પસંદ કરવાની શરદ પવાર, ડો. ફારુક અબ્દુલ્લા અને ગોપાલ ગાંધીએ ઈનકાર કર્યા બાદ યશવંત સિન્હાના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે.