દિલ્હીમાં એક્ઝિટ પોલનાં તારણો જીતશે કે પછી ભાજપનો હુંકાર?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારે રસાકસી સાથે સંપન્ન થઈ હતી. ખરી લડાઈ ભાજપ અને આપ પક્ષ વચ્ચે હતી. હવે દિલ્હી દૂર નથી. આવતી કાલે ચૂંટણી પરિણામો છે ત્યારે વિવિધ ચેનલોનાં એક્ઝિટ પોલનાં પરિણામો મુજબ પરિણામો આવશે કે પછી ભાજપનો હુંકાર જીતશે?  કેજરીવાલનું ઝાડુ ફરી વળશે કે પછી પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીનો આત્મવિશ્વાસથી ભરેલો દાવો જીતશે?

દિલ્હી ચૂંટણીમાં મતદાન પછી પણ દિલ્હીવાસીઓને તો પરિણામોની આતુરતા હોય જ એ સ્વાભાવિક છે, પણ દેશઆખાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર બાજ નજર છે, કેમ કે દિલ્હી ચૂંટણીનાં મોટા ભાગના એક્ઝિટ પોલ કેજરીવાલ સરકાર હેટટ્રિક મારશે એવું કહે છે, જ્યારે ભાજપ આ એક્ઝિટ પોલને સ્પષ્ટ શબ્દોમાં નકારી રહ્યો છે અને ભાજપ ભારે બહુમતી ચૂંટાશે એવો દાવો કરી રહ્યો છે. આવતી કાલે ખરાખરી ખેલનું પરિણામ છે. જોઈએ, એક્ઝિટ પોલ જીતે છે કે પછી ભાજપ?

દિલ્હી ચૂંટણીમાં 62.59 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે દિલ્હીમાં થયેલા મતદાનની પ્રક્રિયાના આંકડા વિલંબથી જાહેર કર્યા હતા. જેથી આમ આદમી પાર્ટીએ એના પર સવાલો ઊભા કર્યા હતા. મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે મતદાન પૂરું થયા પછી અંતિમ મતદાન ટકાવારી ચૂંટણી પંચ જાહેર નથી કરી રહ્યું છે, જે આશ્ચર્યની વાત છે.

બીજી બાજુ ભાજપના ઘણા સિનિયર નેતાઓએ સોઈ ઝાટકીને કહ્યું છે કે આ એક્ઝિટ પોલ સદંતર ખોટા છે. દિલ્હી ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ ભાજપ ભારે બહુમતી જીતવાના દાવો કર્યો છે. એ સિવાય પણ ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ભાજપ જીતવાનો હુંકાર કર્યો છે.

કોંગ્રેસનો આપને ટેકો?

દિલ્હી એક્ઝિટ પોલનાં પરિણામો આપે બાજી મારી છે અને મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુ ઓછી સીટ મળવાની ધારણા છે, ત્યારે કોંગ્રેસના અધીર રંજને કહ્યું હતું કે અમે આ ચૂંટણી બહુ તાકાત સાથે લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાની દરેક પ્રયાસ કર્યા હતા. જો ભાજપ આ ચૂંટણીમાં હારશે તો તેનો સાંપ્રદાયિક એજન્ડા ખતમ થઈ જશે. તેમણે કહ્યું હતું કે જો આપ પાર્ટી આ ચૂંટણીમાં જીતશે તો એ વિકાસની જીત હશે. તેમણે કહ્યું હતું કે લોકો કેજરીવાલે કરેલા કામથી ખુશ છે એવું માનવામાં આવશે. તેમનું આવું નિવેદન ક્યાંક આપ પાર્ટીને કોંગ્રેસ ટેકો આપનારું તો નથીને?