એક્ઝિટ પોલ એટલે પોલંપોલઃ ભાજપનો દાવો દિલ્હીમાં જીતનો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ શનિવારે સામે આવેલાં લગભગ બધા જ એક્ઝિટ પોલના પરિણામો એકસૂરમાં કહેતા હતા કે દિલ્હીમાં કેજરીવાલની હેટટ્રિક થશે, પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં સરકાર  બનાવવા પર કાયમ છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ પણ એક્ઝિટ પોલનાં પરિણોમો નકારતાં જીતવાનો દાવો કર્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે આપને 30-32 વધુ સીટો પ્રાપ્ત નહીં થાય,જ્યારે ભાજપને 36થી 38 સીટો મળશે. ભાજપના નેતાઓનું અનુમાન છે કે કોંગ્રેસને એક-બે સીટ મળશે. 

ભાજપના નેતાઓનો તર્કવિતર્ક

એક્ઝિટ પોલના પરિણામોને નકારતાં ભાજપના કેટલાય  નેતા અનેક તર્ક વિતર્ક આપી રહ્યા છે. તેઓ મતદાન યોજવાના ટાઇમિંગ અને સેમ્પલ સાઇઝને લઈને તર્ક કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સગઠનનના મહામંત્રી બી.એલ. સંતોષે એક્ઝિટ પોલને મુદ્દે સવાલ ઊભા કર્યા હતા. તેમનું માનવું હતું કે આમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેક્ટર્સ સામેલ નહોતા. તેમાં સૌથી મોટું કારણ તેમણે છેલ્લા બે કલાકમાં આશરે 17 ટકા મતદાન થયું હતું. જેને એકઝિટ પોલમાં સામેલ નહોતું કરવામાં આવ્યું.  

ભાજપની લહેરઃ મનોજ તિવારી

દિલ્હી ભાજપ એકમના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી કહે છે દિવસભર જેટલા પણ મથકોએ તેઓ ગયા હતા, ત્યારે ત્યાં ભાજપની લહેર જોવા મળી હતી.  તેમને માહિતી મળી હતી કે મતદાન કેન્દ્રોએ 50 ટકાથી વધુ લોકોએ ભાજપના ટેબલ પરથી મતદાનની સ્લિપ લીધી હતી. તેમના જણાવ્યા મુજબ ભાજપ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં પણ પહેલાથી સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે મારી સિકસ્થ સેન્સ કહે છે, ભાજપને 50 કરતાં વધુ બેઠકો મળશે.