શું શિમલાની ગેરકાયદે મસ્જિદ પર ચાલશે બુલડોઝર?

શિમલાઃ રાજ્યના શિમલાના સંજૌલી વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદ પર શું બુલડોઝર ચાલશે? હવે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ વધી ગયો છે. હિન્દુ સંગઠનોના લોકો અહીં એકઠા થયા હતા અને માર્ચ કાઢી હતી. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે તીખાં નિવેદનો શરૂ થયાં છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે.

રાજ્ય સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે પણ આ બાંધકામને લઈને સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે.  હિંમત સાથે તેમણે વિધાનસભામાં આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ લીધું, તેના સમર્થનમાં સત્તાધારી પક્ષ કરતાં વધુ વિપક્ષ જોવા મળ્યો હતો. આ મુદ્દે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા છે. ગેરકાયદે બાંધકામના આ મામલાને કારણે રાજ્યમાં રસ્તાઓથી લઈને વિધાનસભા સુધી હોબાળો થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનોએ આ મામલે હવે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં કહ્યું હતું કે સંજૌલીના બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે હું પોતે ત્યાં કરવામાં આવી રહેલી અભદ્ર ટિપ્પણીઓનો સાક્ષી છું. તેમણે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સ અને ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આ સાથે જ લવ જેહાદનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જેને તેમણે દેશ અને રાજ્ય માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો.

અનિરુદ્ધ સિંહે ઓવૈસીના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે મંદિર અને મસ્જિદ ખાનગી સંપત્તિ નથી. અહીં કાયદેસર અને ગેરકાયદેની વાત છે.