નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની ગયા સપ્તાહે તામિલનાડુના તિરુચિરાપલ્લીની યાત્રા પછી અટકળો તેજ થઈ રહી છે કે તેઓ દક્ષિણી રાજ્યની કોઈ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. તામિલનાડુથી ભાજપના એક ભૂતપૂર્વ વિધાનસભા ઉમેદવારે જણાવ્યું હતું કે આ પગલાથી ભાજપ માટે દક્ષિણના રાજ્યમાં દ્વાર ખોલી શકે છે. જો વડા પ્રધાન તામિલનાડુની કોઈ સીટથી ચૂંટણી લડે છે તો તેમની જીતની ગેરંટી છે. તામિલનાડુના લોકો ભાવુક છે. તેઓ સકારાત્મક પ્રતિક્રિયા આપશે.
તામિલનાડુના ભાજપના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ કહ્યું હતું કે જો તેઓ અહીંથી ચૂંટણી લડશે તો બહુ સારું થશે. અમે તેમનું સ્વાગત કરીશું અને એ અમારા માટે બહુ મોટી જીત હશે.
39 સાંસદો સાથે તામિલનાડુ લોકસભાની સીટો મામલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ પછી ચોથું સૌથી મોટું રાજ્ય છે. વળી, દેશમાં ભાજપના સૌથી નબળાં રાજ્યોમાંનું પણ એક છે. છેલ્લાં 20 વર્ષોમાં ભાજપ તામિલનાડુમાં કેવળ એક લોકસભા સીટ-2014ની લોકસભાની ચૂંટણીમાં કન્યાકુમારી સીટ જીતવામાં સફળ રહી છે. જોકે ભાજપ માટે રાજ્યમાં પક્ષની સ્થિતિમાં સુધારો કરવો સરળ નહીં હોય.
ચર્ચા એ થઈ રહી છે કે વડા પ્રધાન મોદી લોકસભાની ચૂંટણી ત્રણ ક્ષેત્રો- કોઇમ્બટુર, રામાનાથપુરમ અથવા કન્યાકુમારીમાં એક જગ્યાએ ચૂંટણી લડી શકે છે. તેઓ બીજી સીટ ઉત્તર પ્રદેશમાં વારાણસી કે અયોધ્યાથી પણ ચૂંટણી લડે એવી શક્યતા છે. જોકે તામિલનાડુના કોઇમ્બટુર, રામનાથપુરમ અને કન્યાકુમારી જ એવી સીટ છે, જ્યાં ભાજપનો જનાધાર છે.