નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઊથલપાથલ થશે? એના પર સતત અટકળો ચાલી રહી છે. એ અટકળોને વધુ હવા એ સમયે મળી, જ્યારે સિંગાપુરમાં રહેતી લાલુ યાદવની પુત્રીએ X પર કંઇક પોસ્ટ કર્યું. રાજકીય વિશ્લેષકોના કહેવા અનુસાર રાજકારણથી દૂર રહેનારી રોહિણી આચાર્યએ વગર નામે લીધા વગર નીતીશકુમાર પર નિશાન સાધ્યું છે.
રોહિણી આચાર્યએ X પર ત્રણ પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમની ખામીઓ જોઈ નથી શકતા, પણ બીજાના પર કીચડ ઉછાળતા રહે છે. બીજી પોસ્ટમાં તેણે કહ્યું હતું કે પોતાની નિયતમાં જ ખોટ હોય, ત્યારે બીજા પર ખીજ કાઢવાથી શો ફાયદો? ત્રીજી પોસ્ટમાં તેણે કહ્યું હતું કે સમાજવાદી હોવાના દાવા એ જ લોકો કરે છે, જેમની વિચારધારા હવાની જેમ બદલાય છે.
કર્પૂરી ઠાકુરને ભારત રત્નના એલાન પછી નીતીશકુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે પણ કર્પૂરી ઠાકુરની જેમ પરિવારવાદને પ્રોત્સાહન આપવાની વિરુદ્ધ છે ને અમે પણ એવું કામ નથી કર્યું. તેમનું આ નિવેદન લાલુ પરિવાર પર સીધો હુમલા સમાન હતું. રોહિતી આચાર્યએ નીતીશકુમારના આ નિવેદન પર પલટવાર કર્યો હતો.
બિહારના રાજકારણ પર નજર રાખતા વિશ્લેષકોનું માનવું છે કે નીતીશકુમાર ભાજપની તરફ વળી શકે છે, પણ જૂની શરતો સાથે. સામે પક્ષે ભાજપ બિહારમાં CM પદથી ઓછું કંઈ લેવાના મૂડમાં નથી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને JDUએ 40માંથી 39 સીટો જીતી હતી.