નવી દિલ્હીઃ ચર્ચાસ્પદ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગઈ 16 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમની યુવા પાંખના પ્રમુખ ફહાદ એહમદ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા સાધ્વી પ્રાચીને જ્યારે આ લગ્ન વિશે ટીકાટિપ્પણ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘સ્વરા ભાસ્કર કાયમ હિન્દુ ધર્મની વિરુદ્ધમાં બોલે છે. તેથી એણે બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે એમાં કોઈ આશ્ચર્ય થયું નથી.’ આમ કહીને સાધ્વી પ્રાચીએ વસઈનિવાસી શ્રદ્ધા વાલકરની હત્યાના કેસનો ઉલ્લેખ કર્યો હતો અને એવો સંકેત આપ્યો છે કે, ‘સ્વરા જો સાવધ નહીં રહે તો એની હાલત પણ એવી જ થઈ શકે છે.’
ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા વાલકર કેસમાં, એનાં લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી એનાં દેહનાં 35 ટૂકડા કર્યા હતા અને એને મોટા ફ્રીઝમાં અનેક દિવસો સુધી સંઘર્યા હતા અને થોડા થોડા કરીને એનો નિકાલ કર્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં સાધ્વી પ્રાચીએ વધુમાં કહ્યું કે, “સ્વરાએ લગ્નનો આવડો મોટો નિર્ણય લેતા પહેલાં એક વાર તો ફ્રિઝ જોયું જ હોવું જોઈએ. આ એની અંગત પસંદગી છે. મારે એ વિશે કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ, શ્રદ્ધા સાથે જે બન્યું એ સ્વરા સાથે પણ બની શકે છે.’
સ્વરા જાણકારી આપી ચૂકી છે કે એણે અને ફહાદે 2023ની 6 જાન્યુઆરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કોર્ટમાં એમનાં લગ્ન રજિસ્ટર કરાવ્યાં હતાં.