કોલકાતાઃ પશ્ચિમ બંગાળ રાજ્યના ઓંદાગ્રામ કે ઓંદા રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે બે ગૂડ્સ ટ્રેન અથડાઈ પડી હતી. એક ગૂડ્સ ટ્રેન મેઈન લાઈનને બદલે લૂપ લાઈન પર પ્રવેશી હતી અને એ જ પાટા પર ઊભેલી બીજી ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. અથડામણને લીધે એન્જિન તથા 12 બોગીઓ પાટા પરથી ઉથલી પડી હતી. કેટલીક બોગીઓ બાજુની મેઈન લાઈન પર જઈને પડી હતી. આ ઘટનાને લીધે હજી ગઈ બીજી જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની યાદ ફરી તાજી થઈ છે.
ગૂડ્સ ટ્રેન અથડાવાને કારણે ખડગપુર-બાંકુરા-આદ્રા લાઈન પર ટ્રેન વ્યવહાર થંભાવી દેવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, ગૂડ્સ ટ્રેનના એન્જિન ડ્રાઈવર (લોકો પાઈલટ)ને ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતાં રેલવેના સંબંધિત ટોચના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા.
