નવી દિલ્હી રેલવે સ્ટેશન પર વીજળીનો કરંટ લાગતાં મહિલાનું કરૂણ મૃત્યુ

નવી દિલ્હીઃ આજે વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીં એક બાજુ વરસાદ પડી રહ્યો હતો ત્યારે બીજી બાજુ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર દુઃખદ ઘટના બની હતી. સ્ટેશન સંકુલમાં વીજળીના એક જીવંત તારનાં સંપર્કમાં આવતાં એક મહિલાનું આકસ્મિક રીતે મૃત્યુ નિપજ્યું હતું. દુર્ઘટના સ્ટેશનના એક્ઝિટ દ્વાર નંબર-1 નજીક બની હતી. મૃતકનું નામ સાક્ષી આહુજા છે, તેમની ઉંમર 34 વર્ષ હતી. તેઓ ચંડીગઢ જનારી ટ્રેન પકડવા માટે જતાં હતાં. એમની સાથે એમનાં બહેન પણ હતાં. મૃતકનાં પરિવારજનોએ પોલીસમાં બેદરકારીને કારણે મૃત્યુની ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક તપાસ અનુસાર, દુર્ઘટના વખતે વરસાદ ચાલુ હતો. સાક્ષી આહુજા સ્ટેશન તરફ ચાલતાં જતાં હતાં. એ વખતે અચાનક એ સંતુલન ખોઈ બેઠાં હતાં અને બાજુમાં રહેલો વીજળીનો એક થાંભલો પકડી લીધો હતો, પરંતુ તે થાંભલા પર વીજળીના પ્રવાહવાળા કેટલાક તાર હતા જેના સંપર્કમાં તેઓ આવી ગયાં હતાં. મહિલાને તરત જ લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલાં ઘોષિત કર્યાં હતા.

મૃતદેહને શબઘરમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાક્ષીનાં બહેન માધવી ચોપરાએ સંબંધિત સત્તાવાળાઓ વિરુદ્ધ બેદરકારી રાખવાનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 287 (મશીનરીને લગતી બેદરકારી) અને 304-A (બેદરકારીને કારણે મોત નિપજાવવું) હેઠળ ફરિયાદ નોંધી છે અને તપાસ આદરી છે.

મૃતક સાક્ષી આહુજાનાં મહિલાનાં પરિવારમાં એનાં પતિ અને સગીર વયનાં બે સંતાન છે.