નવી દિલ્હીઃ વકફ બોર્ડની જમીનોને લઈને દિલ્હીમાં નવું ઘમસાણ થવા લાગ્યું છે. બોર્ડે છ મંદિરો પર દાવો કર્યો છે, જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હી અલ્પસંખ્યક પંચના એક ફેક્ટ ફાઇડિંગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં છ મંદિર વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવ્યાં છે. જોકે મંદિર વહીવટી તંત્ર આ દાવોએ ફગાવતાં કહ્યું હતું કે આ મંદિર વકફ બોર્ડ બનવા પહેલાંથી મોજૂદ છે.
દિલ્હી માઇનોરિટી કમિશને એક સત્ય શોધક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં વકફ બોર્ડે પાટનગરમાં છ મંદિરો પર પોતાનો દાવો કર્યો છે. વાસ્તવમાં વકફ બોર્ડની રચના નથી થઈ એ પૂર્વે આ મંદિરો હતાં અને વકફ બોર્ડ હવે તેના પર દાવો કરી રહ્યું છે.
આ મંદિરના ટ્રસ્ટી મદન ભૂટાનીએ જણાવ્યું હતું કે આ મંદિર વર્ષ 1958માં કેન્દ્ર સરકારથી ખરીદવામાં આવી હતી. 1961માં એનો શિલાન્યાસ થયો હતો. જે તત્કાલીન મંત્રીના હસ્તે થયો હતો. તેમણે કહ્યું હતું કે વકફની આ જમીનથી કોઈ લેવાદેવા નથી. તેમની પાસે તમામ પેપર છે અને જ્યાં જરૂર પડશે, ત્યાં તેઓ પેપર રજૂ કરશે.
તો બીજી તરફ બિહાર અને તામિલનાડુમાં અનેક સરકારી અને જાહેર હેતુની જમીનો પર પણ વકફ બોર્ડે દાવો કર્યો છે. બિહારના ગોવિંદપુર ગામ કે જે પટનાથી 30 કિમી દૂર આવેલું છે તેના પૂરા ગામની જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો છે. આ ગામમાં 95 ટકા હિન્દુઓ રહે છે, પણ બોર્ડે તેમને તાત્કાલીક ગામ ખાલી કરવા જણાવ્યું છે. બિહાર સ્ટેટ સુની વકફ બોર્ડ તરફથી તેમને નોટિસ મોકલવામાં આવી છે.