વક્ફ બોર્ડે તાજમહલ માટેનો દાવો જતો કર્યો; કહ્યું, ‘એ ખુદાની સંપત્તિ છે’

નવી દિલ્હી – ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે આજે સુપ્રીમ કોર્ટને કહી દીધું છે કે એ આગરાના જગપ્રસિદ્ધ સ્મારક તાજમહલની માલિકી માટે દાવો નહીં કરે.

દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિઓ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચુડની બેન્ચે આ કેસમાં શરૂ કરેલી સુનાવણીમાં ગઈ 11 એપ્રિલે વક્ફ બોર્ડને જણાવ્યું હતું કે 17મી સદીના સ્મારક, તાજમહલ માટે તમે દાવો કરતા હો તો એના ટેકામાં તમે મોગલ બાદશાહ શાહજહાંના હસ્તાક્ષર ધરાવતા મૂળ ટાઈટલ દસ્તાવેજ રજૂ કરો.

સુન્ની વક્ફ બોર્ડે આજે કોર્ટને કહ્યું કે તાજમહલના માલિક ખુદા છે. અમારી પાસે મોગલ શાસકો કે એમના વંશજો પાસેથી ઉપલબ્ધ થયો હોય એવો કોઈ દસ્તાવેજ નથી.

વક્ફ બોર્ડે કહ્યું કે તાજમહલ અમારી માલિકીનું એટલા માટે છે કે અમારા સભ્યો બાદશાહ શાહજહાંની પુણ્યતિથિએ ઉર્સ (મેળો) ઉજવીએ છીએ અને તાજમહલના કમ્પાઉન્ડમાં શુક્રવારની નમાઝ પઢીએ છીએ.

વક્ફ બોર્ડે તાજમહલને પોતાની પ્રોપર્ટી તરીકે રજિસ્ટર કરાવ્યા બાદ એના દાવાને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ 2005ના ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

કોર્ટે ત્યારે વક્ફ બોર્ડના દાવા સામે મનાઈહૂકમ આપ્યો હતો અને એએસાઈની અરજી પર સંબંધિત પક્ષકારોને નોટિસો મોકલી હતી.

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે ‘મોગલયુગના અંત સાથે જ તાજમહલ સહિત અનેક ઐતિહાસિક ઈમારતો અંગ્રેજોના તાબામાં ગઈ હતી અને અંગ્રેજોના શાસનના અંત સાથે જ આ તમામ ઐતિહાતિક ઈમારતો ભારત સરકારના કબજામાં આવી જેની જાળવણી ASI કરી રહ્યું છે.’

આખરી મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના પ્રપૌત્ર હોવાનો દાવો કરનાર વાય.એચ. ટુસીએ જણાવ્યું છે કે તાજમહલ ભારતની સંપત્તિ છે અને બીજું કોઈ પણ એની પર દાવો કરી શકે નહીં. એક મુલાકાતમાં ટુસીએ કહ્યું હતું કે બાદશાહ શાહજહાંએ વક્ફ બોર્ડની તરફેણ કરતું કોઈ ડીડ લખ્યું નહોતું.

ભવ્ય સ્મારક અને પ્રેમના પ્રતિક એવા તાજમહલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ એમની પત્ની મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. ૧૯૮૩ની સાલમાં યુનેસ્કો સંસ્થાએ તાજમહલને વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કર્યું હતું. તાજમહલને ભારતની ઈસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યું છે. તાજમહલનો સફેદ ઘુમ્મટ આરસપહાણના પથ્થરોથી જડેલો છે. તાજમહલ ઈમારત સમૂહની સંરચનાની વિશેષતા એ છે કે તે પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે. તાજમહલનું બાંધકામ ઈ.સ. ૧૬૪૮માં પૂર્ણ થયું હતું. તાજમહલ બાંધવામાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.