મતદાનઃ77 વર્ષમાં 70 ટકા મતદાને પણ નથી પહોંચ્યું ભારત?

નવી દિલ્હીઃ ભારત આઝાદ થયાનાં 77 વર્ષ પછી પણ 70 ટકા મતદાને નથી પહોંચી શક્યું. સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ 67.36 ટકા થયું છે. લોકસભા ચૂંટણી 2019માં આશરે 30 કરોડ લોકોએ મત નથી નાખ્યા. ચૂંટણી પંચના તમામ પ્રયાસો છતાં મતદાનની ટકાવારીમાં ઝાઝો ફરક નથી આવ્યો. વર્ષ 1967ની સામાન્ય ચૂંટણીમાં 61.33 ટકા લોકોએ મતો નાખ્યા હતા. એના પાંચ દાયકા પછી પણ વર્ષ 2019માં 6.03 ટકા વધુ લોકોએ મતદાન કર્યું હતું.

1962થી 2019 સુધી લોકસભા ચૂંટણીનો રેકોર્ડ જોઈએ તો સરેરાશ મતદાન 59 ટકા છે. હવે સવાલ એ છે કે વસતિનો એક મોટો હિસ્સો હજી પણ મત આપવા કેમ નથી જતો?રાજકીય પક્ષો કે ઉમદેવારોથી મોહભંગ થઈ જાય છે અથવા મતદાતાને લાગે છે કે તેનો મતનું કંઈ વજૂદ નથી, ત્યારે તે તેની આસપાસના મુદ્દાઓની પરવા નથી કરતો.

દેશમાં 1962 પછી મતદાતાઓની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ જોવા મળી હતી. 2023માં એ સંખ્યા 94.5 કરોડને પાર થઈ ગઈ હતી. મતદાનને 75 ટકા સુધી લઈ જવાની ચર્ચાની વચ્ચે ચૂંટણી પંચે કબૂલ કર્યું હતું કે 2019માં 30 કરોડ મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો, એમાં શહેરી વિસ્તારના લોકો, યુવા મતદાતા અને પ્રવાસીઓનો એક મોટો હિસ્સો હતો.

દેશના સૌથી યુવા મતદાતાઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવામાં ઓછો રસ લઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ દેશના 18થી 19 વર્ષના 40 ટકા કરતાં પણ ઓછા લોકોએ મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.