મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જારી

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન જારી છે. મધ્ય પ્રદેશની 230 અને છત્તીસગઢની બીજા તબક્કાની 70 બેઠકો પર મતદાન થશે.. મધ્ય પ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોના ભાવિનો ફેંસલો EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. MPમાં 64,626 મતદાન કેન્દ્રો છે, જ્યારે બીજા તબક્કામાં છત્તીસગઢના 22 જિલ્લાની કુલ 70 વિધાનસભા સીટો પર મતદાન થશે.

મધ્ય પ્રદેશમાં CM શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના કેન્દ્રીય મંત્રીઓનું રાજકીય ભવિષ્ય માટે ચૂંટણી મહત્ત્વની છે, જ્યારે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પણ રાજકીય ભવિષ્ય દાવ પર છે.રાજ્યમાં 5.6 કરોડથી વધુ નોંધાયેલા મતદાતાઓ છે.

ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર 47 સીટો અનુસૂચિત જનજાતિ અને 35 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે પ્રદેશની જનતાના આશીર્વાદ ભાજપ સાથે છે.

 

મધ્ય પ્રદેશમાં સવારે 11 કલાક સુધી 27.62 ટકા, ગુનામાં 28.75 ટકા, ભોપાલમાં 19.03 ટકા, જબલપુરમાં 25.94 અને દતિયામાં 29.22 ટકા મતદાન થયું હતું.  પાછલી ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે 230માંથી 114 સીટો જીતી હતી, જ્યારે ભાજપને 109 સીટો મળી હતી.

 છત્તીસગઢમાં કુલ મતદારોની સંખ્યા 1.63 કરોડ છે, જેમાં 81.42 લાખ પુરુષ મતદારો છે, જ્યારે 81.72 લાખ મહિલા મતદારો છે. રાજ્યમાં સવારે 11 કલાક સુધી 10.09 ટકા મતદાન થયું હતું.