આ પ્રજ્ઞાચક્ષુના જીવનમાં છે દરરોજ દિવાળી જેવી રોશનીનો ઝળહળાટ…

આંખમાં શમણાં હજી ઘર બાંધતાં હોય ત્યારે દૃષ્ટિ ચાલી જાય અને ભવિષ્ય અંધકારમય બની જાય એ વખતે નિરાશા ખંખેરી એક યુવાન આગળ ભણે ને બેકારીનો લાંબો સમય ગાળ્યા પછી સારી નોકરી મેળવી સફળ બૅન્કર બને. વિશાલ અગ્રવાલની આ સિદ્ધિ પાછળ છે એનો સંઘર્ષ અને હિમાલય જેવો અડગ આત્મવિશ્ર્વાસ.

કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી…

આ પંક્તિ બોલવા-સાંભળવામાં સારી લાગે, પણ હકીકતમાં આવી જિંદગી જીવવી પડે ત્યારે અડગ મન અને હિમાલયનો ખરો અર્થ સમજાય. કો’ક વીરલા જ આ કહેવતને ખરા અર્થમાં ચરિતાર્થ કરીને લાખો લોકો માટે પ્રેરણા‚પ એવું જીવન જીવતા હોય છે.

કહે છે કે કુદરતે જેને ગમે એવાં દુ:ખ જીરવવાની તાકાત આપી હોય એને જ સૌથી વધુ મુશ્કેલી પણ આપે. સમય જતાં એવી જ વ્યક્તિ બધાં દુ:ખનો સામનો કરીને એમાંથી સફળતાની સુંદર જીવન રૂ‚પી ઈમારત ચણે છે.

મુંબઈના ક્વીન્સ નેકલેસ તરીકે જાણીતા મરીન ડ્રાઈવ વિસ્તારમાં સૂરજ અગ્રવાલ અને એમનું કુટુંબ રહે છે. ત્રણેક પેઢીથી આ પરિવારનો ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ. સૂરજ અગ્રવાલને બે સંતાન-પુત્ર વિશાલ અને દીકરી સ્વાતિ.

પત્ની શોભાબહેન અને બે સંતાન સાથે સૂરજ અગ્રવાલ ખુશહાલ જિંદગી જીવતા હતા. પુત્ર વિશાલે કફ પરેડની જાણીતી જી.ડી. સોમાણી સ્કૂલ માં અભ્યાસ કર્યો. ત્યાર બાદ દક્ષિણ મુંબઈની એચ.આર. કૉલેજ માંથી બી.કૉમ. કરીને વિશાલે પિતાને પગલે જ્વેલરી બિઝનેસમાં જવાનું નક્કી કર્યું હતું. વિશાલ કૉલેજમાં હતો ત્યારે એણે પરદેશ જઈને વધુ અભ્યાસની તૈયારી પણ શ‚ કરી હતી.

જો કે વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું.

પરદેશની કૉલેજમાં ઍડ્મિશન લેવા જ‚રી કાર્યવાહી ચાલુ હતી. એક દિવસ વિશાલ એની ફિટનેસ ટેસ્ટના ભાગ ‚પે આંખના ડૉક્ટર પાસે ગયો. એ ડૉક્ટરે એને કોઈ ગંભીર બીમારી હોવાનો સંકેત આપ્યો. બે-ત્રણ ટેસ્ટ કરીને એમણે નિદાન કર્યું કે વિશાલને રેટિનાઈટિસ પિગ્મેન્ટોસા નામની બીમારી છે. આ વ્યાધિમાં માણસની દૃષ્ટિ ઝાંખી થતી જાય અને એક દિવસ આંખમાં અંધકારના ઓળા ઊતરી આવે. ટૂંકમાં, કાયમી અંધાપો!

ડૉક્ટરની ધારણા પ્રમાણે થોડા મહિના કે વરસ પછી વિશાલની આંખની રોશની હંમેશ માટે છીનવાઈ જવાની હતી. ડૉક્ટરની વાત સાંભળીને સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો: હવે શું?

છતી આંખે નજર સામે જાણે કાળું ડિબાંગ અંધારું છવાઈ ગયું. કોઈ રસ્તો સૂઝતો નહોતો. સ્વભાવે શાંત અને બુદ્ધિશાળી વિશાલ પણ જાણે અંદરથી ભાંગી પડ્યો. થોડા મહિના સુધી તો આખા પરિવાર પર નિરાશાનાં વાદળ છવાયેલાં રહ્યાં.

વિશાલનું ઘર દરિયાની સાવ સામે. એનાં મોજાંનો પણ અવાજ સાંભળી શકાય. એક સવારે દરિયાનો ઘૂઘવાટ સાંભળીને વિશાલે વિચાર કર્યો કે આમ દિવસો સુધી રડીને શું મળશે? નિરાશ થઈને બેસવા કરતાં કંઈક કરી બતાવવું જોઈએ. મન મક્કમ કરીને નક્કર આત્મવિશ્ર્વાસ સાથે એણે સંજોગ સામે બાથ ભીડવાનું નક્કી કર્યું.

ધીમે ધીમે દૃષ્ટિ ઝાંખી થતી હતી એ દિવસોમાં વિશાલે બી.કૉમ. પૂરું કર્યું. એ પછી થોડા દિવસમાં એની દૃષ્ટિ સંપૂર્ણ જતી રહી.

ગ્રૅજ્યુએટ થયા બાદ એણે નોકરીની શોધ શ‚ કરી. હીરાબજાર, કાપડબજાર, સ્ટીલબજાર… પાંચ-સાત ઠેકાણે નોકરી માટે કોશિશ કરી, પણ પ્રજ્ઞાચક્ષુને કોણ નોકરી આપે? દુનિયાની કડવી વાસ્તવિકતાનો વિશાલને આ પહેલો અનુભવ. વિશાલના બાપ-દાદા જ્વેલરીના બિઝનેસમાં એટલે પરિવાર આમ ખાધે-પીધે સુખી. એક-બે નજીકના સંબંધીઓએ એના પિતાને વણમાગી સલાહ આપી: તમારી પાસે જે કંઈ નાણાં છે એ ફિકસ્ડ ડિપોઝિટમાં રોકી
દો એટલે જીવનભર તમારા દીકરાને વાંધો ન આવે.

વિશાલ માટે સૌથી મોટો સધિયારો એટલે બહેન સ્વાતિઃ ભાઈની દ્રષ્ટિ ગઈ ત્યારે વિચાર્યું નહોતું કે એ સરટોચે પહોંચશે

આ દરમિયાન વિશાલે શૅરબજાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. કૉલેજમાં ભણતો ત્યારથી જ આમ તો એ બજારની હિલચાલ પર નજર રાખતો. ઘણા સંબંધી-મિત્રોને શૅરબજારમાં રોકાણ માટે એ સલાહ-સૂચન પણ આપતો. મોટા ભાગના લોકોને આ રોકાણ દરમિયાન ચારથી પાંચ ગણા પૈસાની કમાણી થઈ હતી, જે વિશાલને આભારી હતી.

પરિણામે મિત્રો-સંબંધીઓની બૅન્ક બૅલેન્સ વધી ગઈ તો વિશાલનો આત્મવિશ્ર્વાસ વધતો ગયો.

૨૦૧૧માં વિશાલે જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝમાં પ્રવેશ લઈ એમબીએ વિથ ફાઈનાન્સ કર્યું. ડિગ્રી મળ્યા બાદ વિશાલને આશા હતી કે હવે તો કોઈ મોટી કંપની તરફથી એને ચોક્કસ નોકરી મળી જશે.

એ જૂના દિવસો યાદ કરતાં વિશાલ ‘ચિત્રલેખા’ને કહે કે હું ફરી વાર નિરાશ થયો. મને નોકરી ન મળી. ત્યાર બાદ કંઈકેટલાય લોકોને ઈ-મેઈલ કર્યા, ઘણા હાથ-પગ માર્યા, પરંતુ કોઈ નોકરી આપવા તૈયાર નહોતું.

અહીં એક આડવાત: સંઘર્ષ કરીને તળિયેથી ટોચે પહોંચતા બિઝનેસમેન કે ઉદ્યોગપતિ ક્યારેક સસ્તી પબ્લિસિટી મેળવવા નાનાં-મોટાં ગતકડાં કરે. સમાજ કે વિકલાંગોને મદદ કરવાનું તિકડમ્ ચલાવી આવા લોકો ખોટેખોટા છાતી કાઢીને ફરે, પણ હકીકતમાં વિશાલ જેવા વિકલાંગને નોકરી આપવાનો વખત આવે ત્યારે આવા લોકો પાણીમાં બેસી જતા હોય છે.

ખેર, વિશાલ અગ્રવાલને પણ નવ મહિના સુધી કોઈએ નોકરી આપી નહીં. અંતે વિશાલનો આત્મવિશ્ર્વાસ, એનો બૌદ્ધિક આંક અને કાબેલિયત જોઈને સપ્ટેમ્બર, ૨૦૧૩માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કે એને નોકરી આપી.

અહીંથી વિશાલ અગ્રવાલના જીવનનો પ્રવાહ પલટાયો.

અને નોકરી પણ કેવી મળી?

ટોકિંગ સોફ્ટવેરની મદદથી વિશાલે મોબાઈલ ફોન તથા કમ્પ્યુટરમાં કામ પર માસ્ટરી મેળવી લીધી છે

જોઈ ન શકતા વિશાલને બૅન્ક તરફથી ફોરેન કરન્સી ટ્રેડિંગ વિભાગનું કામ સોંપવામાં આવ્યું. ડૉલર, પાઉન્ડ, યુરો જેવાં ચલણનો વિનિમય દર લગભગ દર મિનિટે બદલાતો રહે એટલે બૅન્કના ફોરેન કરન્સી ટ્રેડિંગ વિભાગમાં કામ કરનારાએ એકદમ સતર્ક રહેવું પડે. નાનકડી ગફલત થઈ જાય તો લાખો-કરોડોની ખોટ ખાવી પડે.

વિશાલ ટૉકિંગ સૉફ્ટવેરની મદદથી કમ્પ્યુટર કે મોબાઈલ પર સતત સાવધ રહીને ટ્રેડિંગ કરતો. એની આંખ ગઈ હતી, પણ છઠ્ઠી ઈન્દ્રિય બરાબર કામ કરતી હતી. આટલાં વરસોમાં એણે ક્યારેય ભૂલ ન કરી. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કે મૂકેલા વિશ્ર્વાસને એણે ક્યારેય ખોટો પડવા ન દીધો.

આંતરરાષ્ટ્રીય વિનિમય દર તેમ જ ફાઈનાન્સ વિશે એ સતત નવું નવું શીખતો પણ ગયો. એક સમયે નાની-નાની નોકરી શોધતો વિશાલ હવે સફળ બૅન્કર બની ગયો. એનો પગાર છ આંકડાને પાર કરી ગયો. એ નિષ્ણાત ફોરેન એક્સચેન્જ ટ્રેડર બની ગયો.

વિશાલના પરિવારમાં એના પિતા સૂરજ અગ્રવાલ અને માતા શોભાબહેનનો ખૂબ સપોર્ટ રહ્યો. જો કે એના જીવનનો સૌથી મોટો સધિયારો હતો એની નાની બહેન સ્વાતિનો.

ચિત્રલેખા સાથે વાત કરતાં સ્વાતિ કહે છે:

‘મારો ભાઈ ૧૬-૧૭ વરસનો હતો ત્યાં સુધી બધું જોઈ શકતો હતો. જન્મ કે બચપણથી અંધ હોય એવા લોકો તાલીમ થકી ઘડાઈ જતા હોય છે. રસ્તો કેમ ક્રૉસ કરવો, બ્રેઈલ લિપિનો ઉપયોગ જેવી બાબતથી એ માહિતગાર થતા હોય છે. વિશાલની દૃષ્ટિ ૧૭-૧૮ વર્ષની ઉંમર પછી છીનવાઈ. પરિણામે આજેય એ બ્રેઈલ લિપિનો સહજપણે ઉપયોગ કરી શકતો નથી, પણ એની અંદર હિમાલય જેવો આત્મવિશ્ર્વાસ છે. એ બહારના લોકો તો ઠીક, ઘરના લોકોની પણ ભાગ્યે જ મદદ લે છે.’

વિશાલ રોજ ઘરથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી ઑફિસમાં ટૅક્સી દ્વારા આવ-જા કરે. જાતે જ ટૅક્સી બુક કરે.
એકલો ઑફિસ જાય. ઑફિસના કામસર એ બીજાં શહેરો અને ત્રણ-ચાર વખત પરદેશ સુદ્ધાં જઈ આવ્યો છે, પણ ઍરપોર્ટ એને લેવા-મૂકવા માટે આવવાની પરિવારજનોને મનાઈ છે.

વિશાલ અગ્રવાલ માને છે કે કોઈને કિડની કે હાર્ટની બીમારી હોય એવી જ રીતે અંધાપો એક બીમારી છે. એનાથી ડરવાની જ‚રૂર નથી. માણસ જોઈ ન શકે એટલે કંઈ આભ તૂટી પડતું નથી.

આવું બોલતા વિશાલની વાતચીતમાં ક્યાંય નિરાશાનું નામોનિશાન મળતું નથી. એનાં વાણી-વર્તનમાં ઉત્સાહ છલકાતો નજરે પડે. વાતચીત દરમિયાન એનો મોબાઈલ સતત રણકતો રહે અને એ સહજતાથી ફોન પર ટ્રેડિંગ સહિતનું કામ કરતો રહે છે. ટૉકિંગ સૉફ્ટવેર થકી વ્હૉટ્સઍપ મેસેજ અને ઈ-મેઈલની આપ-લે પણ
ચાલુ હોય.

પ્રજ્ઞાચક્ષુ માટેની લાકડીનો પણ એ ભાગ્યે જ ઉપયોગ કરે એટલે એને પહેલી વખત મળનારી વ્યક્તિ વિશાલ પ્રજ્ઞાચક્ષુ હોવાનું માની ન શકે એટલી સરળતાથી પોતાની કામગીરી કરે છે. વિશાલ કદી લોકોના વ્યવહારથી પણ નારાજ થતો નથી. એ કહે છે કે સમાજમાં અનેક પ્રકારના લોકો હોય. અમુક લોકો ખરાબ વ્યવહાર કરે તો ઘણા
ખૂબ સારો વ્યવહાર કરે. એ બધાથી વિચલિત થયા વગર હું જીવું છું, કારણ કે મારે જીવનમાં કંઈક કરી બતાવવું છે. હું મારું કામ મહેનતપૂર્વક કરું છું. બાકી ઈશ્ર્વરની મરજી પર છોડી દેવાનું. એટલું નક્કી કે બીમારીને કારણે હું મારી જિંદગી અટકવા નહીં દઉં.

પોતાની બૅન્ક તરફથી હોંગકોંગ, સિંગાપોર, બ્રિટન અને અમેરિકા જઈ આવનારા વિશાલના દિવસની શ‚આત સવારે છ વાગ્યાથી થાય. દૈનિક ક્રિયા પતાવી એ યોગ કરે. પછી નાસ્તો કરીને ટૅક્સી બોલાવીને સવા આઠ વાગ્યે ઘરેથી ઑફિસ જવા નીકળી જાય. ઑફિસેથી રાત્રે આઠેક વાગ્યે ઘરે આવે. જમીને જૂનાં ગીત સાંભળે. પુસ્તકો સાંભળે (વાંચે) અને ક્યારેક મિત્રોને મળવા જાય.

એની બહેન સ્વાતિ કહે છે કે વિશાલની દૃષ્ટિ જતી રહી ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે એ એમબીએ વિથ ફાઈનાન્સનો અભ્યાસ પૂરો કરીને નોકરીમાં ઉચ્ચ હોદ્દે પહોંચશે. એની આંખોની રોશની જતી રહી પછી શરૂઆતમાં સ્ટિક લઈને ચાલતાં શીખ્યો, પણ બે-ત્રણ વખત નાની-મોટી ઈજા થઈ. જો કે એના સ્કૂલના મિત્રોની એને ઘણી
હૂંફ છે. સ્કૂલના મિત્રોની સગાઈ, લગ્ન કે બર્થ-ડેમાં અચૂક જાય. મારા ભાઈ જેવા લોકોને ખરેખર તો સહાનુભૂતિની જ‚ર નથી, પણ યોગ્ય તકની જ‚ર છે.

વિશાલ અગ્રવાલ ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર હોવા ઉપરાંત એક અચ્છો મોટિવેશનલ સ્પીકર છે. મુંબઈ અને પુણેની સ્કૂલ-કૉલેજમાં એને સ્પીચ આપવા બોલાવવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમમાં વિશાલ સાથે સ્ટેજ પર ભારતના એક ટોચના ઉદ્યોગપતિ હતા. આ ઉદ્યોગપતિ સાથે ફોટો પડાવવા અચ્છેઅચ્છા લોકો પડાપડી કરતા હોય છે. વિશાલની સફળતા, હિંમત અને બૌદ્ધિક પ્રતિભા જોયા પછી પેલા ઉદ્યોગપતિએ સામેથી એને પોતાનો મોબાઈલ નંબર આપ્યો.
અવારનવાર વ્હૉટ્સઍપથી એ વિશાલ સાથે કૉન્ટેક્ટમાં પણ રહે છે. દર બે-ત્રણ મહિને એની સાથે વાત કરવા સુદ્ધાં બોલાવે.

કૅન્સરગ્રસ્ત દરદીઓને મદદ‚પ થવા યોજાતી હાફ મૅરેથોન રેસમાં પણ વિશાલે ભાગ લીધો અને ફંડ માટે લાખો ‚પિયા એકઠા કરવામાં મદદરૂપ બન્યો.

વિશાલ અગ્રવાલ કહે છે કે જે લોકો બીજા કરતાં કંઈક અલગ વિચારે અને જોખમ ઉઠાવે એમને જ સફળતા મળે. સમસ્યા સાથે લડીને સફળ કેમ થવું? એ વિષય પર વિશાલ ઘણી સ્કૂલ-કૉલેજમાં લેક્ચર આપવા જાય છે. વિશાલ કહે છે કે સામાન્ય જીવન તો બધા જીવે, પણ કંઈક જુદું કરી બતાવો. આખી જિંદગી સમાજ પાસેથી ઘણું લઈએ. આપણે પણ કંઈક કરીને સમાજને એનું ઋણ પરત કરવાનું હોય છે. મારે પણ કંઈક કરવું છે. સમાજે આપ્યું એના કરતાં અનેકગણું પાછું આપવું છે. જીવનના અંતે તો સમાજને શું આપ્યું એના આધારે જ માણસની સફળતાનો અંદાજ નીકળે છે.

(દેવાંશુ દેસાઈ)