બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમ્યાન શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. આ હિંસાને કારણે જિલ્લામાં હજુ પણ ભારે તનાવનું વાતાવરણ છે. ફાયરિંગમાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના મૃતદેહને લઈને અનેક લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. પોલીસ, વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
શહેરમાં હિંસા પછી રાજ્યના ADG અમિતાભ યશ એક્શન મોડમાં આવી ગયા છે. લખનૌથી STFના વડા શહેરમાં પહોંચ્યા છે. અત્યાર સુધી 30 તોફાની તત્ત્વોની અટકાયત કરવામાં આવી છે.
હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત છે. DM, SPથી લઈને ડઝનબંધ અધિકારીઓ નારાજ લોકોને શાંત કરવા રસ્તા પર ઊતરી આવ્યા છે. CM યોગીએ બહરાઈચ હિંસા અંગે લખનૌમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
શહેરના મહસી તહસીલના હરડી વિસ્તારના મહારાજગંજ શહેરમાં એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી દુર્ગા માતાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા નીકળી રહી હતી. આરોપ છે કે આ દરમિયાન DJ વગાડવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરૂ કરીને દેખાવકારો પર ગોળીબાર કર્યો. આ બબાલમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગતાં મોત થયું હતું.
દુર્ગા માતાના મૂર્તિ વિસર્જનની શોભાયાત્રામાં ગોળીબારી અને પથ્થરમારાની ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રામ ગોપાલના મોતના સમાચાર ફેલાતાં જ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. લોકો રસ્તા પર આવી ગયા. તોડફોડ અને આગચંપી શરૂ થઈ. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.