પુણેઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એમની લંડન યાત્રા વખતે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ સાવરકરના પૌત્ર સત્યકિ સાવરકરે રાહુલ પર પુણેની એક કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો છે.
સત્યકિએ કહ્યું છે કે એમના વકીલોએ રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ફોજદારી કાયદાની કલમ 499 અને 500 અંતર્ગત પુણેની કોર્ટમાં કેસ કર્યો છે. રાહુલ ગાંધી ગયા મહિને બ્રિટન ગયા હતા ત્યારે એક સભામાં એમણે એવી કમેન્ટ કરી હતી કે વીર સાવરકરે એમના એક પુસ્તકમાં લખ્યું હતું કે એમણે એમના પાંચ-છ મિત્રોની સાથે મળીને એક મુસ્લિમ વ્યક્તિની મારપીટ કરી હતી અને સાવરકરને એમાં બહુ મજા આવી હતી. સત્યકિનું કહેવું છે કે રાહુલની કમેન્ટ એક અપમાન સમાન છે, કારણ કે તે બનાવ કાલ્પનિક છે. વીર સાવરકરનું નામ બદનામ કરવાનો આ પ્રયાસ હતો. તેથી શાંત બેસી ન રહેવાનું અમે નક્કી કર્યું છે અને કોર્ટમાં ક્રિમિનલ માનહાનિ કેસ નોંધાવ્યો છે.