વારાણસીઃ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા જ્ઞાનવાપી પરિસરનું આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) દ્વારા સર્વેક્ષણ કરવાનો અહીંની એક જિલ્લા અદાલતે આદેશ આપતાં મુસ્લિમ પક્ષકારોને મોટો ફટકો પડ્યો છે.
કોર્ટે શિવલિંગવાળા સ્થાનને છોડીને સમગ્ર સંકુલ (પરિસર)નું એએસઆઈ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ કરવાનો અદાલત એએસઆઈ સંસ્થાને દેશ આપે એવી દાદ ચાહતી પીટિશન હિન્દુ પક્ષકારોએ નોંધાવી હતી. હિન્દુ પક્ષકારોનું પ્રતિનિધિત્વ વિષ્ણુ શંકર જૈન નામના લૉયર કરી રહ્યા છે.
ગયા મે મહિનામાં પીટિશન પર સુનાવણી કરવા અદાલત સહમત થઈ હતી. તેણે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિને આદેશ આપ્યો હતો કે તે હિન્દુ પક્ષકારોએ કરેલી રજૂઆત સામે તેનો પ્રત્યુત્તર નોંધાવે. મુસ્લિમ પક્ષે પ્રત્યુત્તર નોંધાવ્યો હતો અને ત્યારબાદ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી. સુનાવણીને અંતે કોર્ટે ઉપર મુજબ પોતાનો ફેંસલો સંભળાવ્યો છે.
લૉયર જૈને કોર્ટમાં એવી દલીલ કરી હતી કે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદનો ઉકેલ માત્ર એએસઆઈ દ્વારા સમગ્ર મસ્જિદ સંકુલના સર્વેક્ષણ (તપાસ)થી જ આવશે.