દેહરાદૂનઃ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાસ્થળ કેદારનાથધામનાં દ્વાર ખૂલતાં જ દર્શન કરવા માટે લોકોનો ધસારો થયો, પરંતુ આ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. તે સ્થળે હવામાને અચાનક પલટો લેતાં સત્તાવાળાઓએ કેદારનાથયાત્રાને અટકાવી દેવી પડી. જિલ્લા પ્રશાસને રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ સુધીના માર્ગ પર યાત્રીઓને તેઓ જ્યાં હોય ત્યાં જ અટકી જવાની ચેતવણી આપી હતી. કેદારનાથધામ તથા આસપાસના વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ માટે યેલો એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું હતું. જોકે આજે હવામાનમાં સુધારો થતાં કેદારનાથયાત્રા આગળ વધારવાની પરવાનગી આપવામાં આવી છે.
હવામાન ખાતાએ ગઈ કાલે જ આગાહી કરી હતી કે કેદારનાથ પરિસરમાં મુસળધારથી અતિ મુસળધાર વરસાદ પડી શકે છે. તેથી લોકોએ એમના ઉતારાના સ્થળેથી બહાર નીકળવું નહીં. રૂદ્રપ્રયાગ અને તેની આસપાસના ભાગોમાં તોફાની વરસાદ પડી શકે છે. પરિણામે ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુની, રૂદ્રપ્રયાગમાં યાત્રાને રોકી દેવામાં આવી હતી. રૂદ્રપ્રયાગથી ગુપ્તકાશી સુધીના માર્ગ પર ઠેકઠેકાણે પાંચ હજારથી પણ વધારે લોકો અટવાઈ ગયાં હતાં. ગઈ કાલે માત્ર એક જ કલાક માટે કેદારનાથયાત્રા શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી.