દેહરાદૂન – ઉત્તરાખંડ રાજ્યના ગવર્નર બેબી રાની મૌર્યએ ‘ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ-2019’ને તેમની મંજૂરી આપી દીધી છે. આ સાથે ઉત્તરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ – એમ ચાર ધામ સહિત 50 તીર્થસ્થાનો પોતાને હસ્તક લેવાનો રાજ્ય સરકાર માટે માર્ગ મોકળો થઈ ગયો છે.
ઉક્ત ખરડો ઉત્તરાખંડ સરકારના કાયદા વિભાગે પાસ કરી દીધો છે અને હવે એને અમલમાં મૂકતા પહેલાં નોટિફિકેશનની તારીખ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ માટે જે બોર્ડ રચવામાં આવશે એમાં આઈએએસ કક્ષાના કોઈ અધિકારી સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન બોર્ડના પ્રમુખપદે રહેશે. બોર્ડના સભ્યો તરીકે વિધાનસભ્યો, સંસદસભ્યો તથા ટેહડી શાહી પરિવારના એક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવશે.
બોર્ડનું મુખ્યાલય દેહરાદૂન શહેરમાં રખાશે.
આ બોર્ડ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સહિત ઉત્તરાખંડ રાજ્યના બીજા 51 મંદિરોને રાજ્ય સરકારના અંકુશ હેઠળ લાવશે.
એ સાથે જ હાલના જે મંદિર સંચાલન ટ્રસ્ટ, સમિતિ કે બોર્ડ છે એ રદ કરવામાં આવશે. આમાં બદ્રી-કેદાર ટેમ્પલ કમિટીનો પણ સમાવેશ થાય છે.
વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ અને તિરુપતિ બાલાજી શ્રાઈન બોર્ડની જેમ ઉત્તરાખંડનું મંદિર બોર્ડ બનશે.
સ્થાનિક પૂજારીઓ, સાધુ-સંતો નારાજ, આંદોલન કરશે
દરમિયાન, ઉત્તરાખંડ સરકારના આ નિર્ણયથી રાજ્યના ઘણા પૂજારીઓ, સાધુ-સંતો નારાજ થયા છે.
કેદારનાથ વિસ્તારના કોંગ્રેસના વિધાનસભ્ય મનોજ રાવતે આ ખરડાની વિરુદ્ધમાં આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. એમણે કહ્યું છે કે આ ખરડો પૂજારીઓ, સાધુ-સંતોના સમાજના હિતની વિરુદ્ધમાં છે.
રાવતે કહ્યું કે રાજ્ય સરકાર ચાર ધામ માટે આદી શંકરાચાર્એ રચેલી સદી જૂની હિન્દુ પ્રણાલિકાને બગાડી રહી છે. જે કામ બ્રિટિશરો કરી શક્યા નહોતા એ કામ આ સરકાર કરી રહી છે. ચાર ધામમાં પૂજારીઓની નિમણૂક તથા એમની મુદત સહિત બધું કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો રાજ્ય સરકાર આ પદ્ધતિને રદ કરી શું મેળવવા માગે છે?
બદ્રીનાથ મંદિરના પૂજારી આશુતોષ સેમવાલે કહ્યું કે અમારો સમાજ નવા બોર્ડનો વિરોધ કરે છે, કારણ કે એ હાલની પદ્ધતિને રદ કરશે. અમે તમામ પૂજારીઓ, સાધુ-સંતો મળવાના છીએ અને આગળના પગલાં લેવાનો નિર્ણય લઈશું.
જોકે રાજ્ય સરકારના પ્રવક્તા અને હરિદ્વારના વિધાનસભ્ય મદન કૌશિકનું કહેવું છે કે આદી શંકરાચાર્યએ સ્થાપેલી વડા પૂજારીઓ માટેની પ્રથા અત્યારે છે એ જ પ્રમાણે ચાલુ રહેશે. નવું બોર્ડ મંદિરોની દૈનિક કામગીરીઓમાં દખલ નહીં કરે. એ માત્ર દાનની રકમ તથા મંદિરોનાં વિકાસ માટે વપરાતા નાણાંનો વહીવટ સંભાળશે.