ટપાલમાં ઝેરી રસાયણોવાળા કવર મળ્યાઃ સાધ્વી પ્રજ્ઞાની પોલીસમાં ફરિયાદ

ભોપાલ – ભારતીય જનતા પાર્ટીના વિવાદાસ્પદ સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગઈ કાલે રાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને એવો આક્ષેપ કર્યો છે કે એમને ટપાલ દ્વારા અમુક કવર મળ્યા છે જેમાં ઝેરી રસાયણો હતા.

પોલીસે સાધ્વી પ્રજ્ઞાનાં નિવાસસ્થાનમાંથી એવા 3-4 એન્વેલપ્સ કબજામાં લીધા છે. એ કવરમાં ઉર્દૂમાં લખેલા પત્રો પણ છે.

ભોપાલના નાયબ ઈન્સ્પેક્ટર જનરલ ઈર્શાદ વલીએ કહ્યું કે, અમને સાધ્વી પ્રજ્ઞા તરફથી ફરિયાદ મળી હતી કે એમને ટપાલમાં એવા કવર મળ્યા છે જેમાં કોઈક હાનિકારક રસાયણો છે. અમે આ પ્રકરણમાં એફઆઈઆર નોંધીને તપાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે વિશે સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં કમેન્ટ કરીને મોટો વિવાદ જગાવ્યો હતો.

પોલીસે જણાવ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાના ઘરમાંથી મેળવાયેલા કવર્સમાંના રસાયણોની ફોરેન્સિક તપાસ કરાયા બાદ જ વધુ વિગત જાણવા મળશે.

દરમિયાન, કથિતપણે પ્રજ્ઞા ઠાકુરનું સરનામું લખેલા એક બ્રાઉન કવરની તસવીર સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ કરવામાં આવી છે અને એની સાથે એવો સંદેશ રખાયો છે કે આમાં અમુક ઝેરી રસાયણ હોય છે જે જાન લઈ શકે છે.

ભોપાલના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉમેશ તિવારીએ કહ્યું કે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ક્રિમિનલ ધમકી તથા કોઈને હાનિ પહોંચાડવા અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.