ઈમરાન ખાનના વધુ એક જુઠ્ઠાણાનો યૂપી પોલીસે કર્યો પર્દાફાશ, ટ્વીટર પર આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ઉત્તર પ્રદેશ પોલીસે ખોટા ન્યૂઝ ફેલાવવા મામલે જવાબ આપ્યો છે. હકીકતમાં ઈમરાન ખાને ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સમુદાય સાથે પોલીસના અત્યાચારના નામે એક ખોટો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને આને ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનો સાથે જોડતા લખ્યું કે, “મોદી સરકારના જાતીય સફાઈ અંતર્ગત ભારતીય પોલીસ મુસ્લિમો પર હુમલો કરી રહી છે. આ વિડીયો મામલે તુરંત જ ઉત્તર પ્રદેશે જવાબ આપ્યો અને આ વિડીયોને ખોટો ગણાવ્યો. ઉત્તર પ્રદેશ પોલીસે ટ્વીટર પર ઈમરાન ખાનને જવાબ આપતા સ્પષ્ટ કહ્યું કે, આ વિડીયોનો ઉત્તર પ્રદેશ સાથે કોઈ સંબંધ નથી અને આ વિડીયો બાંગ્લાદેશનો છે.પરંતુ ઈમરાન ખાનની નાપાક નિયત ત્યારે સામે આવી કે જ્યારે ખ્યાલ આવ્યો કે ઈમરાને જે વિડીયો ટ્વીટ કર્યો છે, તે વિડીયો ભારતનો છે જ નહી, આ વિડીયો બાંગ્લાદેશનો છે. ઈમરાન ખાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ ઉત્તર પ્રદેશ પોલીસે કર્યો.

યૂપી પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે વિડીયો ઉત્તર પ્રદેશનો નથી. આ મે 2013 માં બાંગ્લાદેશના ઢાકાની ઘટના છે. વિડીયોમાં ઈમરાને પોલીસના જે જવાનોને ઉત્તર પ્રદેશના ગણાવ્યા તેની વર્દી પર આરએબી લખેલું છે. આરએબી એટલે રેપિડ એક્શન બટાલિયન કે જે બાંગ્લાદેશ પોલીસની આતંકવિરોધી સંસ્થા છે. જો કે બાદમાં ઈમરાને ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું.