આદેશ મળે તો અમે PoKમાં મોટા પાયે ત્રાટકવા તૈયાર છીએઃ જનરલ નરવણે

નવી દિલ્હી – નવા લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું છે કે પાકિસ્તાનસ્થિત ત્રાસવાદીઓ નિયંત્રણ રેખા પર ગોઠવાઈ ગયા છે અને ભારતમાં ઘૂસવાનો દરરોજ પ્રયત્ન કરી રહ્યા છે.

જનરલ નરવણેએ કહ્યું કે નિયંત્રણ રેખાની પેલે પાર આશરે 20-25 જેટલા સ્થાનો છે જ્યાં ત્રાસવાદી સક્રિય જણાય છે. ભારત એ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

અમને સરકાર તરફથી આદેશ મળે એટલી વાર છે. અમે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માં મોટા પાયે ત્રાટકવા માટે તૈયાર છીએ. નિયંત્રણ રેખાની પેલે પારના સ્થળોએ ભારત-વિરોધી ચલાવવામાં આવતા ત્રાસવાદી અડ્ડાઓ પર ઓચિંતા ત્રાટકવાનો ભારતને અધિકાર છે, એમ પણ જનરલ નરવણેએ કહ્યું છે.

જનરલ નરવણેએ એમ પણ કહ્યું કે પાકિસ્તાને તેના બાલાકોટ વિસ્તારમાં ભારત-વિરોધી ત્રાસવાદીઓના અડ્ડાઓને ફરી ચાલુ કરાવ્યા છે. ગયા વર્ષે ભારતે બાલાકોટમાંના ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા હતા તેથી પાકિસ્તાને હવે ભારતમાં નવા હુમલા કરાવવાનો પ્લાન ઘડ્યો છે.

ગયા વર્ષની 26 ફેબ્રુઆરીએ ભારતીય હવાઈ દળે બાલાકોટમાં કરેલા હુમલા વિશેના સવાલના જવાબમાં જનરલ નરવણેએ કહ્યું કે આપણે એમાં ચોક્કસપણે મોટી સફળતા હાંસલ કરી હતી. ત્રાસવાદી અડ્ડાઓનો નાશ કરી દીધો હતો.

હવે ફરી વાર ત્યાં જ નવા ત્રાસવાદી અડ્ડાઓ ઊભા થઈ રહ્યા છે તે વિશે પૂછતાં જનરલ નરવણેએ કહ્યું કે પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓ માટે લોકેશન્સમાં ફેરફારો થયા કરે છે. એવું જાણવા મળ્યું છે કે મદરેસાઓ ચલાવવાના નામે ત્રાસવાદી અડ્ડાઓ ચલાવવામાં આવે છે. નાનાં ઝૂંપડાઓમાંથી પણ ત્રાસવાદી અડ્ડાઓ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ગામના કોઈક એક ઘરમાંથી એ અડ્ડાઓનું સંચાલન કરવામાં આવતું હોય છે.

ગુપ્તચર વિભાગે આપેલી જાણકારી મુજબ, 200થી 250 જેટલા ત્રાસવાદીઓ નિયંત્રણ રેખા પર રાહ જોતા ગોઠવાઈ ગયા છે અને તેઓ ભારતમાં ઘૂસવાના પ્રયાસમાં છે. એ લોકો દરરોજ કંઈને કંઈ પ્રયત્ન કરે છે. કશ્મીર ખીણપ્રદેશમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે એને કારણે ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશવાનું મુશ્કેલ થઈ ગયું છે. નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા જતાં ઘણા ત્રાસવાદીઓ માર્યા ગયા છે, એમ જનરલ નરવણેએ વધુમાં જણાવ્યું છે.