મુંબઈઃ અમેરિકાએ વિદ્યાર્થીઓ તથા કામદારો સહિત ઘણા વિઝા અરજદારો માટે ભારતમાં તેના રાજદ્વારી કાર્યાલયો ખાતે વ્યક્તિગત ઈન્ટરવ્યૂની આવશ્યક્તાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી સ્થગિત રાખી છે. અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે અમેરિકામાં વસતાં ભારતીય સમુદાયનાં આગેવાનોને આની જાણકારી આપી છે.
અમેરિકાની સરકારે લીધેલા આ નિર્ણયથી ‘F’, ‘M’, અને શૈક્ષણિક ‘J’ વિઝા મેળવવા માગતા વિદ્યાર્થીઓ, H-1, H-2, H-3 તથા વ્યક્તિગત ‘L’ વિઝા મેળવવા માગતા કામદારો તેમજ સાંસ્કૃતિક અને અસાધારણ ક્ષમતા માટે O, P, Q વિઝા મેળવવા માગતા ભારતીય અરજદારોને રાહત થશે. સાઉથ એશિયન કમ્યુનિટી સંસ્થાના આગેવાન તથા અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન માટે એશિયન અમેરિકનો માટેના સલાહકાર અજય જૈન ભુટોરિયાએ અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન (દક્ષિણ મધ્ય એશિયા) ડોનાલ લૂને મળ્યા બાદ આ જાણકારી આપી હતી.