લખનૌઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના જસોવર ગામની વતની સાનિયા મિર્ઝાને ભારતીય હવાઈ દળમાં ફાઈટર પાઈલટ તરીકે પસંદ કરવામાં આવી છે. આ કામગીરી માટે પસંદ કરાયેલી તે દેશની પ્રથમ મુસ્લિમ કન્યા છે અને ઉત્તર પ્રદેશની પ્રથમ હવાઈ દળ પાઈલટ છે. સાનિયા ટીવી મિકેનિક શાહિદ અલી મિર્ઝાની પુત્રી છે. તે હિન્દી મીડિયમ સ્કૂલમાં ભણી હતી. એનું કહેવું છે કે હિન્દી મીડિયમનાં વિદ્યાર્થીઓ પણ દ્રઢનિશ્ચય કરે તો સફળતા હાંસલ કરી શકે છે. સાનિયા હવે પુણેમાં ખડકવાસલાસ્થિત નેશનલ ડીફેન્સ એકેડેમી (NDA)માં જોડાશે.
સાનિયાની પસંદગી થવાથી તેનાં માતા-પિતા અને ગામવાસીઓ ગર્વની લાગણીનો અનુભવ કરી રહ્યાં છે. એનાં પિતાએ કહ્યું કે સાનિયા દેશનાં પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ અવની ચતુર્વેદીને પોતાનાં આદર્શ માને છે. શરૂઆતથી જ તેને અવની જેવાં બનવાની ઈચ્છા હતી. એનડીએ પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ છે. 12મા ધોરણની યૂપી બોર્ડની પરીક્ષામાં પણ એ જિલ્લામાં પ્રથમ રહી હતી. બાદમાં એણે સેન્ચુરિયન ડીફેન્સ એકેડેમીમાં તાલીમ લીધી હતી. સાનિયાનાં માતા તબસ્સુમ મિર્ઝાનું કહેવું છે, અમારી દીકરીએ અમને તથા સમગ્ર ગામને ગૌરવ અપાવ્યું છે. ફાઈટર પાઈલટ બનવાનું એનું સપનું સાકાર થયું છે.