લખનઉઃ ઉત્તર પ્રદેશની સરકાર મહિલાઓને આર્થિક રૂપે સશક્ત બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG)ની મહિલાઓને વીજ સખી બનાવીને સરકારે એકસાથે બે લક્ષ્યોને હાંસલ કર્યાં છે.
વીજ સખી મહિલાઓ ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં ઉપભોક્તાઓને વીજ બિલ વહેંચવાની સાથે બિલની રકમની વસૂલાતમાં સરકારની મદદ પણ કરી રહી છે અને સ્વયં પણ આર્થિક રૂપે સક્ષમ થઈ રહી છે. આ મહિલાઓ લોકોને તેમના ઘરે બિલ લઈને જમા કરવાની સુવિધા આપી રહી છે. આ મહિલાઓ વીજ વિભાગના ખજાનામાં રૂ. 110 કરોડનાં વીજ બિલ જમા કરાવી ચૂકી છે. તેના બદલામાં તેમને રૂ. 165 લાખનું કમિશન પ્રાપ્ત થયું છે.
વીજ સખી યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન UPમાં 15,521 ગ્રુપની મહિલાઓને વીજ સખી બનાવવાના કામમાં લાગેલી છે. હાલમાં 8746 વીજ સખીઓએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં કામ શરૂ કરી દીધું છે.
હરદોઈમાં 249, આઝમગઢમાં 237, સીતાપુરમાં 236, ગાજીપુરમાં 234, બહરાઇચમાં 200, બસ્તીમાં 187, ગોરખપુરમાં 156, આગ્રામાં 110, અયોધ્યામાં 133, સુલતાનપુરમાં 150, અમેઠીમાં 142 અને ઉન્નાવમાં 161 મહિલાઓ વીજ સખીના રૂપમાં કામ કરી રહી છે.
વીજ સખી યોજનાને લીધે ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ આર્થિક રૂપે પગભર બની રહી છે. વીજ સખી યોજના યોગી સરકારની પહેલનું ઉદાહરણ છે. બીજા કાર્યકાળમાં CM યોગી મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ લાવી રહ્યા છે.