રૂ.500ની નકલી નોટો વિશેનો વાઈરલ દાવો ખોટો

મુંબઈઃ વ્યાપકપણે ફેલાયેલી અફવાનું ખંડન કરીને ભારત સરકારે જણાવ્યું છે કે રૂ.500ની કરન્સી નોટ પર દેખાતી લીલા રંગની લાઈન સાથે મહાત્મા ગાંધીના ચિત્રની નિકટતા એ દર્શાવતી નથી કે આ નોટ અસલી છે કે નકલી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી) ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર આ દાવો નકારવામાં આવ્યો છે. અફવા ફેલાવતા મેસેજમાં એવો દાવો કરાયો છે કે, ‘રૂ. 500ની જે કોઈ ચલણી નોટમાં લીલા રંગની લાઈન આરબીઆઈના ગવર્નરની સહીની નજીક ન હોય, પણ ગાંધીજીના ચિત્રની નજીક હોય તે નકલી છે.’ આ દાવો ખોટો છે, એમ સરકારે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે આરબીઆઈના જણાવ્યા મુજબ બંને પ્રકારની નોટ સાચી અને કાયદેસર છે.