કોરોનાના દર્દીઓમાં બે વર્ષ સુધી કેટલાંક લક્ષણો દેખાં દે છેઃ અભ્યાસ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાંથી કમસે કમ અડધા લોકો સંક્રમણના બે વર્ષ પછી પણ આજ સુધી વાઇરસનાં એક-બે લક્ષણો સામે ઝઝૂમી રહ્યા છે, એમ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિનના એક અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે. આ અભ્યાસમાં લાંબા ગાળા સુધી કોરોનાની અસરના પુરાવા મળ્યા છે. લોંગ કોવિડની અવસ્થા એ છે, જેમાં દર્દી સાજો થયા પછી પણ કેટલાક પ્રકારની સમસ્યાઓ લાંબા ગાળા સુધી રહે છે. આ અભ્યાસમાં ચીનના દર્દીઓને આધારે તારણ કાઢવામાં આવ્યું છે કે દર્દી ભલે પ્રાથમિક રીતે કોરોનાના ઇન્ફેક્શનમાંથી બહાર આવી હોય, પણ તેને સંપૂર્ણ સાજા થવામાં બે વર્ષ કરતાં વધુનો સમય લાગે છે.

ચીનના બીજિંગમાં ચીન-જાપાન ફ્રેન્ડશિપ હોસ્ટિપટલમાં ડોક્ટરોની આગેવાનીમાં કરવામાં આવેલા અભ્યાસનાં પરિણામોથી માલૂમ પડ્યું હતું કે કોરોના સંક્રમિત લોકોને સતત ફોલોઅપ કરવાની જરૂર છે.  આ અભ્યાસના અગ્રણી લેખક બિન કાઓએ કહ્યું હતું કે કોવિડ19 સંક્રમિત લોકોના એક હિસ્સાને સતત મદદ કરવાની જરૂર છે. આપણે એ સમજવાની જરૂર છે કે રસી, સારવાર અને કોવિડ વેરિયેન્ટનો લાંબા સમય સુધી કેવો પ્રભાવ રહે છે.

દર્દી શારીરિક અને માનસિક રીતે સમય જતાં ઠીક થાય છે, પણ કોવિડ-19 સંક્રમિત વ્યક્તિને રિકવર થવા પર સામાન્ય લોકોની તુલનાએ તેને ખરાબ આરોગ્ય સામે ઝઝૂમવું પડે છે. કોરોનામાંથી રિકવર થયા પછી સામાન્ય રીતે થાક, શ્વાસ લેવામાં તકલીફ અને સૂવામાં મુશ્કેલીઓમાંથી એક-કે બે લક્ષણો દેખાં દે છે.