કો-લોકેશન કૌભાંડઃ ચિત્રા રામકૃષ્ણ, સુબ્રમણ્યનની જામીન-અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ અહીંની અદાલતે નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી-સીઈઓ અને કો-લોકેશન કૌભાંડના આરોપીઓ – ચિત્રા રામકૃષ્ણ અને એક્સચેન્જના જ ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યનની જામીન માટેની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી.

ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે ઉક્ત આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે એમને જામીન આપવા માટે પૂરતાં કારણો નથી.

અગાઉ, રામકૃષ્ણ અને સુબ્રમણ્યનની અરજીઓનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ વ્યક્તિઓ પુરાવા સાથે ચેડાં કરે એવું જોખમ છે. એમની સામેના આરોપ ગંભીર સ્વરૂપના છે અને દેશની આર્થિક સ્થિરતા પર તેની લાંબા ગાળાની અસર થઈ શકે છે.

નોંધનીય છે કે કો-લોકેશન કેસમાં મે 2018માં એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. દેશના આ સૌથી મોટા સ્ટોક એક્સચેન્જમાં સંખ્યાબંધ ગેરરીતિઓ બહાર આવી છે. એક્સચેન્જનાં સર્વરમાંથી અયોગ્ય રીતે માહિતી સ્ટોક બ્રોકરોને પહોંચાડવામાં આવતી હતી. સેબીએ આથી જ આ બન્ને ભૂતપૂર્વ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.