નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટ (89)નું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. પાછલા મહિને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના પાર્થિવ શરીરને રસ્તા માર્ગે તેમના ઉત્તરાખંડ સ્થિત ગામમાં લઈ જવામાં આવી રહ્યું છે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર આપવામાં આવશે. તેમને પેટમાં દર્દ અને શ્વાસ લેવામાં તકલીફને 12 માર્ચથી દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટ ફોરેસ્ટ વિભાગમાં રેન્જ અધિકારીના પદે નિવૃત્ત થયા પછી સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા.
મુખ્ય પ્રધાન યોગીના પિતાએ ઉત્તરાખંડના યમકેશ્વર ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે 1998માં ગુરુ ગોરખનાથ યુનિવર્સિટી શરૂ કરી હતી. આ સિવાય તેમણે અલગ રાજ્ય બનાવવા માટેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. આનંદ સિંહ બિષ્ટના પરિવારમાં તેમનાં પત્ની, ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે.
યુપીના એડિશનલ ચીફ સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતાનું નિધન આજે સવારે નિધન થયું છે. અમે તેમના નિધન પર ઘેરો શોક પ્રગટ કરીએ છીએ.