અમદાવાદ/નવી દિલ્હી: દેશમાં કોરોનાવાઈરસની બીજી લહેરનું જોર નબળું પડી રહ્યું છે અને નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યો, શહેરોમાં સરકાર/વહીવટીતંત્ર નિયંત્રણોમાં છૂટછાટ આપી રહ્યા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આજથી અનલોક-8 પ્રક્રિયા અંતર્ગત નવી ગાઈડલાઈન્સ લાગુ કરાશે. જે અનુસાર આજથી દિલ્હી મેટ્રો ટ્રેનો પૂરી 100% ક્ષમતા સાથે દોડાવવામાં આવશે. અત્યાર સુધી દિલ્હી મેટ્રોમાં માત્ર 50 ટકા પ્રવાસીઓને જ સફર કરવા દેવામાં આવતા હતા. એવી જ રીતે, દિલ્હીમાં સ્થાનિક બસ સેવા (ડીટીસી) પણ પૂરી ક્ષમતા સાથે સંચાલિત કરવાની પરવાનગી અપાઈ છે. પરંતુ, શાળા-કોલેજો હજી ખોલવાની પરવાનગી નથી.
ગુજરાતમાં આજથી 9, 10 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી રહી છે. તમામ શાળાઓમાં 50 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પરવાનગી છે. વિદ્યાર્થીઓનાં ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રહેશે. સંતાનોને શાળામાં મોકલવા કે નહીં એ નિર્ણય માતા-પિતા/વાલીઓ પર છોડવામાં આવ્યો છે.
મધ્ય પ્રદેશમાં 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વર્ગો ફરી શરૂ કરવામાં આવશે. 11મા ધોરણનાં વિદ્યાર્થીઓને મંગળવાર અને શુક્રવારના દિવસોએ જ્યારે 12મા ધોરણનાં વિદ્યાર્થીઓને સોમવાર અને ગુરુવારે સ્કૂલમાં બોલાવવામાં આવ્યાં છે.
ઓડિશા અને પંજાબમાં પણ આજથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા ફરી ખોલવામાં આવી છે. પરંતુ માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે. સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1.30 વાગ્યા સુધી જ શાળાઓ ચાલુ રખાશે. એ દરમિયાન લંચ બ્રેક આપવામાં નહીં આવે.
નગાલેન્ડમાં આજથી હાયર સેકન્ડરી શાળાનાં વર્ગો અને કોલેજો ખોલવાની પરવાનગી અપાઈ છે. પરંતુ શિક્ષકો તથા અન્ય સ્ટાફ સભ્યોએ કોરોના-પ્રતિરોધક રસીનો કમસે કમ એક ડોઝ લીધો હોવો જોઈએ એવી શરત રખાઈએ છે. જેમણે રસી લીધી ન હોય એમણે દર 15-દિવસે કોવિડ-નેગેટિવ રિપોર્ટ શાળામાં રજૂ કરવાનો રહેશે. કર્ણાટકમાં આજથી સ્કૂલ નહીં, પણ કોલેજો ખોલવાની પરવાનગી અપાઈ છે. આમાં તમામ ડિગ્રી, પી.જી., એન્જિનીયરિંગ અને પોલિટેક્નિકલ કોલેજોનો સમાવેશ છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ કોરોના રસીનો કમસે કમ એક ડોઝ લીધો હોય એમને જ કોલેજમાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજોના સ્ટાફ સભ્યોએ પણ રસી લીધી હોવી જરૂરી છે.