નીતિન ગડકરીની હત્યાની ફરી ધમકી; પોલીસની દોડધામ

નાગપુરઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ફરી ધમકી આપવામાં આવ્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં આરોપીએ બે વાર ફોન કરીને ગડકરીને ઠાર મારવાની ધમકી આપી હતી.

અમુક દિવસો પહેલાં પણ આરોપીએ આ જ રીતે આ જ કાર્યાલયમાં ફોન કર્યો હતો અને ગડકરીને મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી હવે ફરીથી ધમકીનો ફોન આવ્યો છે. આને પગલે ગડકરીની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે, એમ ‘એબીપી માઝા’ મરાઠી ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે.

માહિતી અનુસાર, ગડકરીના નાગપુરસ્થિત જનસંપર્ક કાર્યાલયમાં આજે સવારથી બે વખત આરોપીએ અજ્ઞાત નંબર પરથી ફોન કરીને ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગડકરી ત્યારે કાર્યાલયમાં હાજર નહોતા. ધમકીભર્યો ફોન આવ્યા બાદ કાર્યાલયના કર્મચારીઓએ તે વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ જયેશ કાંથા ઉર્ફે જયેશ પુજારી નામના આરોપીએ ગડકરીને ઠાર મારવાની ધમકી આપી હતી. એ જ આરોપીએ ફરી ધમકી આપી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.

મોદી સરકારમાં ગડકરી સૌથી કાર્યક્ષમ પ્રધાન તરીકે ઓળખાય છે. ભાજપ ઉપરાંત અન્ય પક્ષોના ઘણા નેતાઓ સાથે પણ એમને સારા સંબંધ છે.