અમૃતપાલસિંહ કેવી રીતે ભાગી ગયો? હાઈકોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢી

ચંડીગઢઃ શીખ કટ્ટરવાદી અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના સ્થાપક અમૃતપાલસિંહને પકડવામાં નિષ્ફળ જવા બદલ ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે ઝાટકણી કાઢી છે.

ભારત વિરુદ્ધ ભાષણો કરીને અને ઉપદેશો આપીને શીખ લોકોને ભડકાવનાર ખાલિસ્તાની નેતા અમૃતપાલસિંહ છેલ્લા ત્રણ દિવસથી ફરાર છે. એને પકડવા માટે પંજાબ પોલીસે વ્યાપક ખોજ આદરી છે. પોલીસે અમૃતપાલના 112થી વધારે સહયોગીઓ અને સાથીઓની ધરપકડ કરી છે. પરંતુ અમૃતપાલ ગયા શનિવારે જલંધર જિલ્લામાં એક સ્થળે પોલીસને છક્કડ ખવડાવીને એની કારમાં ભાગી જવામાં સફળ થયો છે.

હાઈકોર્ટે પંજાબ સરકારને કહ્યું કે, તમારી પાસે 80,000 પોલીસ જવાનો છે તે છતાં અમૃતપાલ સિંહ કેવી રીતે ભાગી ગયો? આ પરિસ્થિતિ માટે ગુપ્તચર વિભાગની નિષ્ફળતા જવાબદાર છે.

પંજાબ સરકારે અમૃતપાલ સિંહને ખાલિસ્તાની-પાકિસ્તાની એજન્ટ તરીકે ઓળખાવ્યો છે.