ગૃહપ્રધાન અમિત શાહ પણ કોરોના બીમારીનો શિકાર બન્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમને અહીંની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી એમણે પોતે જ આજે ટ્વિટરના માધ્યમથી આપી છે. કોરોના બીમારીના શરૂઆતનાં લક્ષણ જણાતાં એમણે પોતાનું તબીબી પરીક્ષણ કરાવ્યં હતું અને તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

55 વર્ષીય અમિત શાહે પોતાને લાગેલા ચેપ વિશેની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એમણે લખ્યું છેઃ મારો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડોક્ટરોની સલાહ અનુસાર હું હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. મારો અનુરોધ છે કે તમારામાંથી જે કોઈ પણ લોકો છેલ્લા અમુક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય એ મહેરબાની કરીને પોતાને આઈસોલેટ કરી પોતાની કોરોના વાઈરસ માટે જાંચ કરાવે.

ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ એમના ટ્વીટમાં લખ્યું છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ COVID-19 પોઝિટીવ થયા હોવાના સમાચાર મળ્યા છે. એમને જલદી સારું થઈ જાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ પાટીલ, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતપોતાના ટ્વિટર હેન્ડલ મારફત અમિત શાહ જલદી સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.