રાજસ્થાનના રાજકીય ઘમાસાણ પર વસુંધરા રાજેએ તોડ્યું મૌન…

જયપુરઃ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધીયાએ રાજસ્થાનની વર્તમાન સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. રાજ્યના રાજકીય ઘમાસાણ પર મૌન તોડતા વસુંધરા રાજેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના નેતાઓ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવવો દુર્ભાગ્યપૂર્ણ છે. કોંંગ્રેસને પોતાના ઘરની લડાઈમાં ભાજપા નેતાઓને વચ્ચે ન લાવવા જોઈએ. વસુંધરા રાજેએ ટ્વીટ કરીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતાને કોંગ્રેસના અંદરના ક્લેશની કિંમત ચૂકવવી પડી રહી છે. કોંગ્રેસ પોતાની અંદરની લડાઈ માટે ભાજપને જવાબદાર ગણાવે છે. રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે વસુંધરા રાજેનું આ પ્રથમ નિવેદન છે.

વસુંધરા રાજેએ કોંગ્રેસ પર પ્રહાર કરતા એક-એક કરીને તેમની જવાબદારી પણ ગણાવી દીધી. તેમણે ટ્વીટમાં લખ્યું કે, એવા સમયમાં કે જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને લઈને 500 થી વધારે લોકોના મોત થઈ ગયા છે અને આ સંક્રમણના કારણે બીમાર લોકોની સંખ્યા 28,500 ની પાર પહોંચી ગઈ છે. ત્યારે આવામાં જ્યારે ખેડૂતોની ખેતી પર તીડ હુમલો કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર ચરમ સીમાએ છે, રાજ્યમાં વિજળીનું સંકટ જોવા મળી રહ્યું છે. હજી તો મેં એ સમસ્યાઓ ગણાવી છે જેનો રાજસ્થાનની જનતા સામનો કરી રહી છે. ત્યારે આમાં ભાજપને વચ્ચે ખેંચવી અને ભાજપના નેતાઓ પર આક્ષેપોના ઠીકરા ફોડવા તેનો કોઈ અર્થ નથી.

વસુંધરા રાજેના આ ટ્વીટને રાજસ્થાન ભાજપ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે, કારણકે તેમનું મૌન અને ભાજપની બેઠકોમાં ન જોડાવા મામલે ઉઠાવી રહેલા સવાલો પર ભાજપ નેતાઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નહોતો.