ચાઈનીઝ એપ્સ દૂર કરાયા બાદ 200 નવી ભારતીય એપ્સ બનાવાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતનું મોબાઈલ એપ્સ અર્થતંત્ર ગજબ રીતે વૃદ્ધિ પામી રહ્યું છે. આ ક્ષેત્રમાં ભારતનું લક્ષ્ય ચીનને પાછળ રાખી દેવાનું છે અને વિશ્વમાં નંબર-1 મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું છે.

પ્રસાદે ‘આત્મબોધ’ નામની બિનસરકારી સંસ્થાએ યોજેલા એક વેબિનારમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારત સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટાની ગુપ્તતા જાળવવાના કારણોસર 59 મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ભારતીય એપ્સ બનાવવા કહ્યું હતું અને મને એ જણાવતા આનંદ થાય છે કે આપણે 200 નવી એપ્લિકેશન્સ બનાવી છે.’

પ્રસાદે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર વિશે કહ્યું કે, ‘2014માં, ભારતમાં માત્ર બે યુનિટ હતા, આજે 260 યુનિટ છે. આજે વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક બની ગયું છે જે અગાઉ પાંચમા નંબરે હતું. મારી મહત્ત્વાકાંક્ષા આ ક્ષેત્રમાં ચીનને પાછળ રાખી દઈને ભારતને નંબર-1 મોબાઈલ ઉત્પાદક (હબ) બનાવવાની છે.’