સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પૂર્ણ: પરાક્રમ દિવસ મનાવી રહી છે ભારતીય સેના

નવી દિલ્હી- આજે સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પુરા થઈ ગયા છે. વર્ષ 2016માં ઉરીમાં આતંકી હુમલાના 10 દિવસની અંદર ભારતે તેનો બદલો લીધો હતો. ભારતીય સેનાએ યોજનાબદ્ધ રીતે 28-29 સપ્ટેમ્બર 2016ની મધ્ય રાત્રીએ પાકિસ્તાનની સરહદમાં 3 કિલોમીટર સુધી અંદર ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાને ટાર્ગેટ કરી તેને બરબાદ કર્યા હતા.સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે બ્લેક કેટ ડિવિઝનના બ્રિગેડિયર અજય મિશ્રાએ ગંગટોક વેસ્ટ પોઇન્ટ સ્કૂલ ખાતે પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. પ્રદર્શનમાં 105 એમએમ ફિલ્ડ બંદૂકો, નાના શસ્ત્રો, એન્જિનિયરિંગનો સામાન, માઉન્ટેનિયરિંગનો સામાન, સર્જિકલ સ્ટારાઈક દરમિયાન ઇજાગ્રસ્ત અથવા બીમાર સૈનિકોની સારવારમાં વપરાતા તબીબી સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં 50 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા. અને ઘણા આતંકી કેમ્પનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. આ પ્રથમ ઘટના હતી જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો અને તેને જાહેર પણ કરવામાં આવ્યો હતો.