નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. એનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે. ત્યારે કોરોના વોરિયર્સને પણ આ બીમારીના શિકાર બની રહ્યા છે. અહેવાલ અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રુમમાં તહેનાત સીઆરપીએફના બે જવાનોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સીઆરપીએફની 55મી અને 243મી બટાલિયનના જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ મામલો સામે આવતા જ કંટ્રોલ રૂમ નંબર એકને બંધ કરી દેવાયો છે. એને સેનેટાઈઝ કરવામાં આવશે. આ ઉપરાંત જવાનોના સંપર્કમાં આવેલા લોકોની સતત ભાળ મેળવવામાં આવી રહી છે. ભાળ મળતા જ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 50,000ની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,694 લોકોનાં મોત થયા છે અને સંક્રમિતોની સંખ્યા 49,391 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,958 નવા કેસ સામે આવ્યા છે અને 126 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બીમારીમાં અત્યાર સુધી 14,183 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. દર્દીઓનો રિકવરી રેટ 28.72 ટકા થયો છે.