મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હિન્દી સિરિયલમાં ટપૂનો રોલ કરનાર સહ-કલાકાર રાજ અનડકટ સાથે ડેટિંગ કરતી હોવાના અહેવાલોને અભિનેત્રી મુનમુન દત્તાએ ખોટા ગણાવ્યાં છે. તેણે આ અફવાઓ સામે ઈન્સ્ટાગ્રામ પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટ્સ વિભાગમાં ગંદાં લખાણ લખનારાઓની ઝાટકણી કાઢી છે.
મુનમુને લખ્યું છે કે, ‘મિડિયા અને એની ઝીરો વિશ્વસનીયતાવાળા પત્રકારત્વને, સહમતિ મેળવ્યા વગર કોઈના ખાનગી જીવન વિશે કાલ્પનિક પોસ્ટ કરવાનો અધિકાર કોણે આપ્યો છે? શું તમે તમારા લાપરવાહીભર્યા વ્યવહારથી મારાં જીવનમાં થનાર નુકસાન માટે જવાબદાર છો? તમે એક એવી શોકગ્રસ્ત મહિલાનાં ચહેરા પરથી તમારો કેમેરો હટાવતા નથી જેણે પોતાનો પ્યાર ગુમાવી દીધો છે, પોતાનો દીકરો ગુમાવી દીધો છે. તમે લોકો સનસનાટીભર્યા લેખ અને હેડિંગ લખવા માટે ગમે તેવા સ્તરે નીચા જઈ શકો છો. શું તમે કોઈનાં જીવનમાં ઉત્પાત મચાવવાની જવાબદારી લીધી છે? જો ના, તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટે પણ એનું નામ મુનમુન સાથે જોડતી અફવાઓનું ખંડન કર્યું છે અને સોશિયલ મિડિયા પર લખ્યું છે કે, ભગવાન આવા લોકોને સદ્દબુદ્ધિ આપે.
