ગુજરાતમાં નવા-CMની પસંદગીઃ ભાજપના MLAsની આજે મીટિંગ

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીએ ગઈ કાલે આપેલા ઓચિંતા રાજીનામાને કારણે ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. એમના અનુગામીની પસંદગી કરવા માટે રાજ્યમાં શાસક ભારતીય જનતા પાર્ટીના એકમે આજે બપોરે વિધાસભા પક્ષની બેઠક બોલાવી છે.

કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને ગુજરાતના નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને નેતા આજે અમદાવાદ આવશે. આજે બપોરે લગભગ ત્રણ વાગ્યે અમદાવાદમાં ભાજપના મુખ્યાલય ખાતે રાજ્યના ભાજપના વિધાનસભ્યોની બેઠક યોજવામાં આવશે અને તેમાં રાજ્યના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન પદ માટે આ નેતાઓ રેસમાં હોવાનું મનાય છેઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ગોરધન ઝડફિયા અને પ્રફુલ કે. પટેલ, જે દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપમાં વહીવટકર્તા છે. રાજ્યના ભાજપ એકમના પ્રમુખ સી.આર. પાટીલે ગઈ કાલે એક વિડિયો નિવેદન દ્વારા જાહેરાત કરી દીધી છે કે પોતે મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી.